પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
34
ગુજરાતનો જય
 


ત્રણેય ભાઈઓ લીંપેલી બેઠકો પર સ્વસ્થ થયા ન થયા ત્યાં તો સોમેશ્વરે તેમને વધાઈ દીધીઃ “સરસ્વતીમાં મેં એક નવીન જ પાણી-પાટ શોધી રાખી છે. એનું નામ હજુ કોઈએ નથી પાડ્યું. મેં નક્કી કરી રાખ્યું છે.”

“શું?”

“કુંઅર-પાટ!”

“શા પરથી?”

“તમારી બાના નામ પરથી.”

બેઉ ભાઈઓની આંખો સામસામી થઈ. વસ્તિગે પૂછ્યું, “તમે જોયાં છે અમારી બાને? મળ્યા છો?”

“ના, પણ કલ્પી તો લીધાં જ છે.”

“શા પરથી?"

“એમના કાગળ પરથી; ને જે બાકી હતું તે તમારા મોં પરથી.” એણે વસ્તિગનો ચહેરો ચીંધાડ્યો.

“સાચું,” તેજિગે કહ્યું, “વસ્તિગ બા પર ઊતર્યો છે ને હું મારા બાપુ પર.”

"તમારાં બાનો સ્વભાવ શાંત અને ગંભીર હશે, ખરું? એટલે જ કુંઅર-પાટનું પાણી શાંત અને ઊંડું છે, એટલું જ પાછું સ્વચ્છ છે.”

આવા આવા ઉદ્‌ગારો વડે સોમેશ્વર બેઉ નાના વણિકપુત્રોનો વહાલસોયો બન્યો. અને પોતાની જનેતાની નામધારી નદી-પાટમાં નહાવા જવાની ઇચ્છા બન્નેના અંતરમાં જાગી ઊઠી. ધૂબકા મારી મારીને ઊંચી ભેખડો પરથી તેમણે ખાબકીખાબકી એ પાણીમાં દેગડીઓ ચડાવી.

"માના હૈયામાં પણ હેતની આવી જ દેગ ચડે છે,” વસ્તિગ નહાતો નહાતો બોલે છે: “જુઓ, હું જાણે માને ખોળે પડ્યો છું. મા મને અધ્ધર તરાવી રહી છે.” એણે પાણી પર ચત્તા સૂતે સૂતે કહ્યું: “ને જુઓ તો!” એણે ડૂબકી મારી તળિયેથી તાગ લાવી, મૂઠી ઉઘાડીને ચકચકિત રેતી દેખાડતે દેખાડતે કહ્યું, “માનું હૃદયતલ અદલ આવું જ ચોખ્ખું ને ચકચકિત છે.”

“વસ્તિગ તો મોટા કવિ થશે.” સોમેશ્વર બોલી ઊઠ્યો.

“એકલા કવિ થવામાં શો આનંદ છે?” વસ્તિગે કોગળા ઉડાડતાં કહ્યું.

"ત્યારે?”

“મને તો થાય છે કે હું અનેક કવિઓને દેશપરદેશથી આંહીં તેડાવું ને તેમને ઈનામો આપું.”

“તારી સ્તુતિ કરવાનાં?” તેજિગે ટોણો માર્યો.