પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુરુ અને શિષ્યો
35
 


“નહીં.”

“ત્યારે શું મૃગાક્ષી-મીનાક્ષીઓનાં વર્ણન કરવાનાં? પેલા ક્ષત્રિયે કહેલું તે યાદ છે ને?"

"યાદ છે. એણે આપણને વખતસર ચેતાવી દીધા છે.”

"હું તો એને મારી પાડત.” તેજિગનો સ્વર તપ્યો.

"કેમ? કોણ હતું?” સોમેશ્વરે પૂછ્યું.

"હતો કોઈક કાબરચીતરી દાઢીવાળો ને શણગારેલી સાંઢણી પર બેઠેલો બિહામણો બોલકણો ક્ષત્રિય. અમારી ઠઠ્ઠા કરતોકરતો ચાલ્યો ગયો.”

"ત્યારે તો એ જ રાણા લવણપ્રસાદ: એ તો ધોળકાના મંડળેશ્વર: પિતાજીના તો એ ગાઢ મિત્ર છે. તમને ખીજવ્યાની વાત એણે જ પિતાજીને કરેલી. આપણી એકની એક પાઠશાળા ચાલે છે તે પણ તેના જ પ્રતાપે.”

“પાઠશાળામાં એ આવે છે?” તેજિગે કંટાળાભેર પૂછ્યું.

"હા ! વારંવાર.”

"ત્યારે તો માર્યા !” તેજિગ ખસિયાણો પડ્યો, “મેં પથ્થર ઉપાડેલો તે એણે તો જોયો હતો. ક્ષત્રિય છે એટલે ડંખીલો જ હશે.”

"ના રે ના !” સોમેશ્વરે ખાતરી આપી, "લવણપ્રસાદબાપુ તો ખોળામાં ચડીને એની દાઢીના વાળ ખેંચીએ તોયે વહાલ કરે એવા ગરવા છે. આંહીંના સર્વાધિકારી નિમાવાના છે, પણ પિતાજીને એ કહેતા હતા કે આંહીં પાટણનો પુનરુદ્ધાર કોઈરીતે થઈ શકે તેમ નથી, એટલે એ તો સૌને કહે છે કે ચાલો ધોળકું જમાવો. બાપુને પણ પાઠશાળા ધોળકે ફેરવવા કહે છે, પણ બાપુને પાટણ છોડવું અસહ્ય છે. બાપુ તો કહે છે કે હું મનુષ્ય નથી, વૃક્ષ છું. ભૂમિનો સ્થાન બદલો કરી શકું નહીં. આંહીં જ સુકાઈશ ને આંહીં જ સમાઈશ. પણ મંડળેશ્વરે મારી માગણી કરી છે. મોટો થઈને હું ધોળકે જઈશ.”

“ત્યાં કોની પાસે ?”

"મંડળેશ્વરને એક દીકરો છે. છુપાવીને રાખેલ છે. એ મોટો થઈ ધોળકાનો રાણો નિમાશે ત્યારે મારે એના રાજગુરુ બનવાનું છે."

"ચાલો હવે, બહાર નીકળીએ." તેજિગના મોં પર એ બોલતી વેળા ચિંતા હતી.

"બાના ખોળા જેવા જળમાંથી મને તો બહાર ન નીકળવું ગમતું નથી.” વસ્તિગ બોલ્યો.

આવી વાતો કરતા કરતા, સરસ્વતીમાં નહાઈ કરી ત્રણેય પાછા વળ્યા, ત્યારે