પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
36
ગુજરાતનો જય
 

આશ્રમની નજીક લુણિગની ખાંસીનાં ઉપરાઉપરી જોશભર્યા ઠસકાં સંભળાયાં. ત્રણેય જણા દોડી જઈને જુએ છે તો લુણિગ પોતાને માથે અને પોતાની બગલમાં, એ ચોમેર પડેલાં ખંડિયેરમાંથી ખંડિત મૂર્તિઓના પથ્થરો ઉપાડીઉપાડી ઠેબાં ખાતોખાતો ગોઠવતો હતો.

“તમે આ શું કરો છો, ભાઈ !” વસ્તિગે ઠપકો દીધો, “છાનામાના સૂઈ રહેવાને બદલે...” .

"જુઓ... તો... ખર... રા.” ઉધરસના બળખા થુંકતો લુણિગ સમજાવવા લાગ્યોઃ “આવી સુંદર કોતરણી... રઝળી... રહી છે, આમ તો જુઓ, આ દેવપ્રતિમાનાં કોઈએ... ક્રૂરે.. નાક... કાન જ છેદી નાખ્યાં છે.”

"મ્લેચ્છોએ.” સોમેશ્વર બોલ્યો.

“બહુ થયું, લો ચાલો!” વસ્તિગે એના હાથમાંથી ને માથા પરથી ખંડિત પથ્થરો ઉપાડી લઈને કહ્યું, “એ બધું જ હું ઠીક કરી આપીશ. તમે ભલા થઈને સૂઈ રહો.”

મહામહેનતે તેમણે લુણિગને બિછાને સુવરાવ્યો. એ બિછાનું કાયમનું બન્યું. લુણિગે ત્યાં પડ્યાં-પડ્યાં આગળના ચોગાનમાં ઝાડની છાંયડી નીચે મધપૂડાના ગણગણાટ જેવો મહારવ સાંભળ્યો.

ગુરુ કુમારદેવની પાઠશાળા ચાલી રહી હતી.

વેદનાગ્રસ્ત લુણિગે એકલા પડ્યા પડ્યા રડી લીધું. અભ્યાસમાં જોડાવાની આશા એણે સદાને માટે ગુમાવી.

એકાએક એની નજર બારીની બહાર ગઈ. ખંડિયેરો, વનો, જંગલો અને સરસ્વતીના તીરને પાર કરતી ચાલી જતી એ નજરે ક્ષિતિજ ઉપર કાજળઘેરા એક પર્વતને સ્પર્શ કર્યો. પહાડ ઓળખાયો. એ તો આબુરાજ હતો.

ગુજરાતની સીમાદોરી ઉપર ઊભેલો એ જોગંદર ગિરિરાજ લુણિગની નજીકનજીક – છેક હૃદયના દ્વારે આવીને થંભ્યો. બાળપણનાં સંભારણાં એના અંતરમાં રમતાં થયાં. એક વાર માતાપિતાની સાથે આબુની યાત્રા કરી હતી. એની નાનકડી આંખોએ વિમલ-વસહીનું જિનમંદિર જોયું હતું. જોયું ત્યારથી જ એના મનમાં કોડ જન્મ્યો હતો. પણ એ ગુપ્ત મનોરથની વાત એણે આજ સુધી કોઈને કહી નહોતી. માબાપની ગરીબીએ એની જીભને તાળું લગાવ્યું હતું. આબુના ધ્યાનમાં દિવસે દિવસે ઊંડું ઊતરતું એનું હૃદય એકતાર બન્યું.

બે-ત્રણ દિવસ થયા. વસ્તિગ ને તેજિગ સંસ્કૃત કાવ્ય, વ્યાકરણના અને રાજનીતિશાસ્ત્રના ઊંચા અભ્યાસમાં તલ્લીન બન્યા. સોમેશ્વર એમનો ચોથો ભાઈ