પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુરુ અને શિષ્યો
37
 

બની રહ્યો. પણ એક બાબતમાં બેઉ ભાઈઓ જુદા બેસી કાંઈક ગુસપુસ ગુસપુસ કર્યા કરતા હોય એવી સોમેશ્વરને શંકા પડી. એણે પિતાજીને કહ્યું કે કોઈક છૂપી વાત બેઉ ભાઈઓને સતાવી રહી જણાય છે.

છૂપી રીતે એ વાત પોતે પકડી હોય કે પછી અનુમાન કર્યું હોય, પણ ગુરુ કુમારદેવે તેમને એકાંતે લઈ જઈ એક દિવસ કહ્યું: “મેં દોષ કર્યો છે. એક વાત કહેતાં હું ચૂકી ગયો છું. તમારે બેઉ ભાઈઓએ દરરોજ તમારાં માતાપિતાના ઇષ્ટદેવને વંદના કરવા દેરે જઈ આવવું જોઈએ.”

બેઉ ભાઈઓ સામસામે જોઈ સહેજ હસ્યા ને પછી વસ્તિગે કહ્યું: “માએ તો એ ભલામણ કરી હતી પણ અમે સંકોચાતા હતા.”

"શા માટે?”

“આપને ગમે કે...”

"બચ્ચાઓ મારા” કુમારદેવે બેઉને ખોળા નજીક ખેંચીને મૃદુ સ્વરે કહ્યું, "મને જો ન ગમે તો મારું બ્રાહ્મણપણું શું? તમને સ્વધર્મી મટાડીને હું પરધર્મી કરવા કેમ ઇચ્છું? તમે સમભાવી બનો, ને કોઈક દિવસ ભવિષ્યમાં, ગુજરાતની ભૂમિને આ ધાર્મિક વૈરબુદ્ધિમાંથી બહાર કાઢો, એ જ મારી તો અભિલાષા છે. સર્વ નદીઓ એક જ સાગરમાં ઠલવાય છે, સર્વ ધર્મો એક જ ઈશ્વરમાં લય થાય છે. સર્વ માર્ગો ગુજરાતના પુનરુદ્ધારની ટોચે લઈ જાઓ ! સર્વ વ્યક્તિગત સિદ્ધિઓનો ફૂલહાર ગૂંથાઓ અને મા ગુજરાતને કંઠે આરોપાઓ !"

બોલતે બોલતે ગુરુજી જાણે કોઈ મહાસ્તવનમાં ઊતરી ગયા. એનાં નેત્રો મીંચાઈ ગયાં. એનો કંઠ વધુ ને વધુ ઘેરો બનતો ચાલ્યો. એ વૃદ્ધ શિવભક્તના વદન પર વસ્તિગે ને તેજિગે ઓજસ્વતી કોઈ ભવિષ્યવાણી એક સુંદર સ્વપ્ન આલેખતી નિહાળી. પોથીનાં પાનાંમાંથી નહોતું મળતું તે જાણે બેઉને ગુરુદેવના આ શબ્દોમાંથી સાંપડ્યું. તે દિવસથી એમને બેઉને અભ્યાસમાં નવદર્શન થવા લાગ્યું.