પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
44
ગુજરાતનો જય
 

ગયેલા ને બે કેમ પાછા આવ્યા, એમ ને?” લુણિગે લહેરથી કહ્યું, “તો કહેજોને, કે બા ! લુણિગભાઈ તો ફરીથી અવતાર માગવા ગયો છે. શેનો અવતાર, કહું? સલાટનો અવતાર – શિલ્પીનો અવતાર.”

“તને મૂર્તિઓ ઘડવાનું બહુ મન થાય છે, ખરું?” કુમારદેવે પૂછ્યું.

“હા જ તો ! આ બધાં કોતરકામો તૂટેલાં પડ્યાં છે તે જોઈ મને થાય છે કે હું એક રાતમાં ફરી ઘડું, ફરી ચણું, ફરી કોરાવું. પણ મારા હાથમાં ટાંકણુંય ન ઊપડે એ તે શા ખપનું !”

એમ કહી વળી પાછી એણે આબુ પર દૃષ્ટિ ઠેરવી.

"ફક્ત એટલું – એક એટલું જ જો થઈ શક્યું હોત !” એમ બોલીને એણે પોતાના ભાઈ સામે દયામણી આંખે જોયું..

"કહોને, ભાઈ !”

“એવું કહીને મૂર્ખ જ બનવાનું !” લુણિગ હસ્યો.

“ભાઈ ! ભાઈ, કહો ! બા પૂછશે હો! બાને અમે જવાબ શો દેશું?'

"લો ત્યારે, પહેલાં તો મને આહારપાણીનાં જાવ-જીવ પચખાણ આપો.”

“ભાઈ ! ઉતાવળા શીદ થાઓ છો?”

"હું ખરું કહું છું. પછી મોડું થઈ જશે.”

ભાઈઓ રડી પડ્યા.

"જુઓ ! બેઉ ભાઈઓ શરમાતા નથી? ભડ થઈને રડો છો? ને મારી છેલ્લી ઇચ્છા સાંભળવી છે, તો પછી મોડું કેમ કરો છો?”

મરણાન્ત અન્નજળની અગડ આપનારું ધર્મસ્તોત્ર બોલતો વસ્તિગ માંડ માં કંઠને રૂંધાતો રોકતો હતો.

“ત્યારે તો હવે કહું. હસવા જેવી વાત છે હો ! હસજો, હસી કાઢજો. ઝાઝું મન પર લેતા નહીં. એ તો ખાલી ઇચ્છા કહેવાય, એ તો રાજેશ્વરી ઇચ્છા કહેવાય ! એ તો એમ છે, કે આપણે જ્યારે નાના હતા ને બા-બાપુ જોડે આબુરાજની યાત્રાએ ગયા હતા ને, ત્યારે વિમલ-વસહીના દેરામાં મને એક ગાંડી ઇચ્છા થઈ હતી, કે -હેં હેં-હેં.' એ હસી પડ્યો.

"કહી દો, ભાઈ ! અમારાથી થઈ શકે એવું હશે તો કરશું.”

"ગંડુ ! એ તે કંઈ થઈ શકતું હશે ! એવી રાજેશ્વરી ઇચ્છા તો બાળપણની બેવકૂફી કહેવાય. એ તો મને વગર સમયે એવી ઇચ્છા થયેલી, કે ત્યાં આપણે પણ પ્રભુનું એક બિમ્બ પધરાવ્યું હોય તો કેવું સારું!”

એટલું કહીને એ મોં પર ઓઢી ગયો.