પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રાજેશ્વરી ઇચ્છા
45
 


બન્ને ભાઈઓની આંખો શરમથી ઢળી પડી. તેમને લુણિગ પાસે પરાણે એની ઇચ્છા કહેવરાવવાનો પ્રશ્ચાત્તાપ થયો. આબુરાજ ઉપર વિમલ-વસહીના દેરામાં જિનપ્રભુની એક મૂર્તિ પધરાવવાની ઇચ્છા ! લાખોપતિને જ શક્ય એવી એ ઇચ્છા, પૂરી રોટી પણ ન પામનારી માતાના પુત્રના હૃદયમાં ! સૌ વિદ્યાર્થીઓની હાજરીમાં આપણે આ ઈચ્છાનું પ્રદર્શન મરતા ભાઈને મોઢે કેમ કરાવ્યું !

ગરીબી તેમની સામે હસતી હતી. દુનિયાનું અટ્ટહાસ તેમને જાણે સંભળાતું હતું. મોં ઢાંકી ગયેલ ભાઈને એટલું પણ કહેવાની હિંમત ન રહી, કે અમે એ ઇચ્છાને પૂરી કરશું. હજારો દ્રમ્મનો ખર્ચ માગી લેતી એ ઇચ્છાને ઉચ્ચરી નાખ્યા પછી ઓઢી ગયેલા લુણિગને તેઓ બોલાવી શક્યા નહીં. ભાઈના મૃત્યુ-ખંડની બહાર ચાલ્યા જઈને બેઉ જણ છાને ખૂણે રડ્યા.

રડતાં મોંને લૂછીને બેઉ ચૂપચાપ ઊભા હતા ત્યારે એમણે પોતાના સહગુરુ વિજયસેનસૂરિને કોઈક મહેમાનો જોડે આવતા જોયા. એક અજાણ્યા શ્રેષ્ઠી (શેઠ) અને શેઠાણી હતાં ને તેમની સાથે એક ચૌદેક વર્ષની કન્યા હતી.

"કેમ, શું થયું છે?” વિજયસેનસૂરિએ છોકરાઓના ચહેરા પડી ગયેલા જોઈ પૂછ્યું.

“ભાઈને મંદવાડ વધારે છે. વસ્તિગે જવાબ વાળ્યો. બધા બીમારના ખંડમાં પ્રવેશ્યા ત્યારે ગુરુ કુમારદેવે લુણિગના મોં પરથી ઓઢણું ખેસવી નાખ્યું હતું. લુણિગ છેલ્લી વાર ધરતીની રમ્યતાને પીતો પીતો હસી રહ્યો હતો.

"ક્યાં ગયા બેઉ?" એણે પૂછ્યું, “આંહીં આવો, રડ્યા ને ! હું ગમ્મત કરતો હતો તેમાં તો રડી પડ્યા !”

"શું હતું?” વિજયસેનસૂરિએ પૂછ્યું.

કુમારદેવે બધી વાત કરી. આબુના શિખર પર એક જ પ્રભુબિમ્બ પધરાવવાની વાત થતી હતી તે પેલા મહેમાનોની સાથે ચૌદ વર્ષની કન્યા ભાવભેર સાંભળતી સાંભળતી બીમારની પથારી નજીક આવી ગઈ હતી. એ કન્યાએ જે ઘડીએ જાણ્યું કે પેલા બે આ મરતા ભાઈના નાનેરા ભાઈઓ છે અને આ સ્વજનની છેલ્લી વહાલી ઉમેદને પહોંચી વળવાની અશક્તિથી રડેલા છે, તે ઘડીએ સ્વાભાવિકપણે જ એની નજર વસ્તિગ-તેજિગ તરફ વળી.

બેઉએ એને નિહાળીને જોઈ. એનો વાન શામળો હતો. એ કન્યાને પાટણમાં કોઈ કદાચ રૂપાળી ન પણ કહે, પણ એનાં નેત્રોમાં ઊંડી ભદ્રતા હતી.

મરતો લુણિગ તો થોડી વાર આબુ તરફ ને થોડી વાર એ કન્યા તરફ નજર માંડતો રહ્યો.