પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[6]

જેમ એની ગતિ ફેરવતો રહે છે, તેમ હું પણ આ બારી સામે ટેબલને ફેરવ્યું જાઉં છું. પ્રૂફો વાંચવાનો પાર નથી આવતો. તમને જે આપેલા. તેના જેવા પ્રબંધોના તો ગંજેગંજ પડ્યા છે, પણ તેનો ઉદ્ધાર કોણ કરશે?”

પ્રબંધસંગ્રહનો ઉલ્લેખ સાંભળી હું શરમાયો; મેં એમને ખુલાસો કર્યો કે, “મારું સંસ્કૃત ભાષાજ્ઞાન એટલું કટાયેલું ને અણખેડાયેલું છે કે હું પ્રયત્ન કરવા છતાં એ પ્રબંધો વાંચી ન શક્યો.”

"પણ પ્રબંધોનું સંસ્કૃત કેટલું સહેલું છે તે બતાવું? જુઓ."

એમ કહી એમણે વસ્તુપાલ-તેજપાલનો જ પ્રબંધ ખોલીને, લવણપ્રસાદ, દેવરાજ પટ્ટકિલ ને મદનરાશવાળો એક જ ફકરો વાંચી સંભળાવ્યો, કે જેના આધારે આ વાતનું પહેલું પ્રકરણ મંડાયેલું છે.

બે વાતે હું વિસ્મયમાં ડૂબ્યોઃ એક તો એ પ્રબંધની ભાષાકીય સરળતાની ચાવી જડી તેથી, ને બીજું એ પ્રસંગની ઉદાત્તતાથી.

મને એમણે કહ્યું: “આવા આવા તો પાર વગરના પ્રસંગો આ પ્રબંધોમાં પડ્યા છે – ખાસ કરીને વસ્તુપાલ-તેજપાલના પ્રબંધોમાં. આપણે આજ સુધી એ બે મંત્રીઓને કેવળ દાનેશ્વરી શ્રાવકો લેખે જોયા છે; એના ફરતો ગૂંથાયેલો ગુજરાતના પુનરુદ્ધારનો બહુરંગી ઇતિહાસ જાણ્યો નથી, વાર્તામાં ઉતાર્યો નથી; મેં મુનશીજીને પણ આ કહી જોયું હતું, પણ એમને હવે ફુરસદ નથી.”

એ એક જ પ્રસંગના સંસ્કૃત વાચનની ચાવી લઈ હું ઘેર આવ્યો. તે પછી. મેં પ્રબંધોના અર્થો એ ચાવી વડે બેસારવા માંડ્યા. ફરી ફરી પ્રબંધો વાંચ્યા, તેમ તેમ તો એ સંસ્કૃત, લોકસાહિત્યની વાણી સમું સરલ ને મીઠું થઈ પડ્યું. અને ગુજરાતના પુનરુદ્ધારના એ શેષ દીપક જ્યોત સમા સમયની આસમાની મારા હૃદય પર છવાતી ચાલી. પરિણામ – આ વાર્તા.

વાર્તાનું એક પણ પાત્ર કલ્પિત નથી. વાર્તાના લગભગ બધા જ મુખ્ય પ્રસંગોને પ્રબંધોના આધારો છે; મારી કલ્પના તો એ પ્રબંધમાં અંકિત ઘટનાઓને બહેલાવી તીવ્ર બનાવવા પૂરતી જ મેં વપરાવા દીધી છે.

આ પ્રબંધોની સામગ્રીમાં બીજાં આનુષંગિક પ્રકાશનોના વાચનથી પણ ઉમેરણ અને સંસ્કરણ થયું છે. મારી દ્રષ્ટિનો દોર બે-ચાર વ્યક્તિગત પાત્રો પર નહીં, પણ મને સાંપડેલા પ્રસંગોમાંથી ઊપસી આવતા એ પુનરુદ્ધારના સામૂહિક મહાપ્રયત્ન પર જ બંધાયો હતો.

એટલે એ સમગ્ર કાળપટને આલેખવા બેસતાં મારે બે ખંડો પાડ્યા વગર ઉપાય ન રહ્યો. પ્રથમ ખંડમાં તો ગુજરાતના એ પુનરુદ્ધારકો હજુ પ્રવેશદ્વારે ઊભેલ