પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
46
ગુજરાતનો જય
 


"લુણિગ,” વિજયસેનસૂરિએ કહ્યું, “આ કુટુંબ આબુરાજથી જ ચાલ્યું આવે છે.”

“અહોહો !” લુણિગે એ કન્યા તરફ મમતાભરી નજરે નિહાળ્યું: “તું બહેન ! તું આબુરાજ જોઈ આવી? ઝરણાં વહે છે? ઝાડ લીલાંછમ છે? આકાશની વાદળીઓ આબુરાજની ખીણોમાં ને શૃંગો પર દોટાદોટ કરે છે ને?”

કન્યાના મોં પર પણ આ શબ્દોની છાયા રમવા લાગી. એણે નીચે જોયું.

“મારી નાની બહેનો છે ને !” લુણિગે ગરીબડા થઈને કહ્યું: “એણે આબુ દીઠો જ નથી. એક તો તારા જેવડી જ છે; બીજી બે પણ તારી સાથે રમે તેવડી છે.”

“રમશે એ તો.” વિજયસેનસૂરિએ કહ્યું, “લુણિગ ! આ ચંદ્રાવતીના ધરણિગ શેઠ શત્રુંજય જતાં રસ્તે મંડલિકપુર થતા જશે, ને માતાને, બહેનોને, સૌને મળશે."

“તો તો, બહેન ! તું એ સર્વને કહેજે, કે લુણિગે ખમાવ્યાં છે. વયજૂકાને કહેજે કે પેલી મારી આરસની શિલા હવે એ જ રાખે. વયજૂકાને એટલું કહેજે કે રડે નહીં ગાંડી ! એ રડશે તો બાને કોણ છાનાં રાખશે ?”

"લુણિગ ! વત્સ ! વધુ બોલીને શક્તિ કાં ગુમાવો છો ?” વિજયસેનસૂરિએ વાર્યો.

"હવે તો પૂરું થયું. હવે મને સંથારો કરાવો, મને પૂર્ણ શાતા વળી. આબુરાજનાં નિવાસીઓ મળ્યાં ને માતાને તાજો જ સંદેશ દેનારાં મળ્યાં. બેવડો લાભ ! એક બાજુ આબુરાજ, બીજી બાજુ મારી બાઃ બેઉને વંદના.”

એમ કરી એણે હાથ જોડ્યા ને વિજયસેનસૂરિએ એને મરણાન્ત મૌનભર્યા ધ્યાનની બાધા આપી.

એક સંસ્કારી આત્માની ચિરવિદાયની એ ગંભીર પળો, આકાશમાં ઊડતા પહેલાં સ્વજનોનાં નેહ-નીરે પાંખો ઝબોળી લેતી દેવચકલીઓ જેવી શોભી રહી.

અને ભીંતની ઓથે માથાં ટેકવી ગયેલા બે ભાઈઓ તરફ જોતી એ ચંદ્રાવતીના ધરણિગ શેઠની કન્યા એમને છાના રાખવાની ગુપ્ત ઇચ્છાને માંડ માંડ ખાળતા એમની નજીક જઈ ઊભી હતી.

એનું નામ અનોપ.