પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
48
ગુજરાતનો જય
 


"તોબાહ! તોબાહ, જનાબ ! એટલી બધી તુમાખી હું બતાવું ! મેં તો અર્જ મોકલાવેલી કે અહીં પગલાં કરશો? એ તો બે ઘડી આપનું દિલ બહેલાવવા માટે, મેં પધારવા – મારો મુકામ પાવન કરવા અર્જ મોકલી હતી, જનાબ ! આપને કોઈકે ઊલટાસૂલટી વાત ભરાવી લાગે છે,” એમ કહેતે કહેતે સદીકે લાચારીના મુખભાવ ધારણ કર્યા: “હું તો અત્યારમાં મને જાણ થઈ કે આપ સર્વાધિકારી નિમાયા એટલે તરત જ હરખ કરવા દોડ્યો આવ્યો છું.”

"તમને ખબર પણ પડી ગઈ?” લવણપ્રસાદ આ માણસને સમજવા મથતો હતો, પણ નિષ્ફળ ગયો.

"મારું ને આપનું એટલું દિલભર દિલ છે. કાલ રાતથી જ હું સારાં નિશાનો નિહાળી રહ્યો હતો. મને ખાતરી જ હતી કે કાંઈક સારો બનાવ બનવો જોઈએ. સવારની નમાજ પઢતાં પઢતાં જ દિલમાં જાણે કોઈ કહેતું હતું કે જનાબ ઊંચી પાયરીએ નિમાવાના છે.”

"જુઓ, સદીક શેઠ!” લવણપ્રસાદે કહ્યું, “આપણે મુદ્દાની વાત પર આવી જઈએ. રાજના ખજાનામાં દ્રવ્ય નામ નથી. તમારે ખંભાતની માંડવી વધારે આપવી જોઈએ.”

“મારાં માવતર છો તમે તો. હું તો કહું છું કે માંડવીનો ઇજારો જ આપ કોઈ બીજાને આપો. હું તો મરી રહ્યો છું.”

"કેમ?”

"લાટ, આનર્ત અને સુરાષ્ટ્ર, ત્રણેયને ત્રિભેટે ખંભાતમાં બેઠેલા અમ લોકોની તો કમબખ્તીનો જ ક્યાં પાર છે? આ તરફથી લાટનો ચાહમાન શંખ વારેવારે ખંભાત પડાવી લેવાના ડારા મોકલે; તેની પેલી મેરથી દેવગિરિનો સિંઘણદેવ ચાંચિયા મોકલી વહાણો ડુબાવે; વામનસ્થળીવાળાનો પણ એ જ ધંધો; એની વચ્ચે હું કેમ કરીને વહાણો સફરે મોકલું છું તેની તો કોઈ સંભાળ લ્યો !”

“આપણો કાફલો ખંભાતમાં નથી રહેતો?”

"એક પણ નાવ ન મળે, એક પણ સૈનિક નહીં”

“ક્યાં ગયું આપણું નાવિકદળ?”

“ઘરભેગું થઈ ગયું.”

“કેમ?”

“બાર બાર મહિના સુધીનો ચડત દરમાયો મેં ચુકાવ્યો, જનાબ ! આંહીથી કોઈ જવાબ પણ ન આપે એટલે દરિયા-ફોજ વિખેરી નાખવી પડી.”

લવણપ્રસાદને પહેલી જ વાર ખબર પડી કે સૌરાષ્ટ્ર-ગુજરાતના આખા