પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
બે લક્ષ્મીની પ્રાપ્તિ
51
 

ચિંતાએ ઘર તરફ દોડતાં હતાં. તેમણે ધરણિગ શેઠના સંઘ સાથે પ્રયાણ કર્યું.

ઘેર પહોંચી, માની ને બહેનોની સાથે એકાંતે બેસી લુણિગને યાદ કરી ખૂબ ખૂબ રોઈ લીધું. પછી સૌ ધરણિગ શેઠના કુટુંબની પરોણાગતમાં પડી ગયાં. થોડે દહાડે વેદના વિસારે પડી. દરમિયાન ધરણિગ શેઠે આ ઘરમાં પુત્રીનું ભવિષ્યનું ઘર નક્કી કરી નાખ્યું. પણ વાત અંતરમાં જ રાખી, હજુ વધુ ચકાસણી બાકી હતી.

“અમે શત્રુંજય, ગિરનાર થઈને દેવપટ્ટન જશું, કુંઅરબાઈ, તમેય ચાલોને યાત્રાએ ! દુખ વીસરાશે."

કુમારદેવીએ પુત્રોને પૂછી તૈયારી કરી. પહેલી રાત ભાલના હડાળા ગામે રહ્યાં.

કુમારદેવીએ ધરણિગ શેઠને વિશ્વાસમાં લઈને પેટની વાત કહી : પોતાની પાસે જૂના વખતનો સાચવેલ થોડો દરદાગીનો છે.

“તો બહેન સુરાષ્ટ્રમાં આજકાલ એ લઈ જવા જેવો સમય નથી. લૂંટફાટનો ડગલે ને પગલે ભો છે.”

“તો શું કરું, ભાઈ?”

“આંહીં વગડામાં જ કોઈ ઠેકાણે દાટ્યા વગર છૂટકો નથી.”

મધરાતનાં અંધારાં ઘેરાયાં ત્યારે બે દીકરા અને વિધવા માતા જંગલમાં ચાલ્યાં.

“અનોપ, બેટા, તુંયે ચાલને મારી સાથે માએ મહેમાનની દીકરીને કહ્યું.

“એનું ત્યાં શું દાઢ્યું છે?” તેજિગ ખીજે બળ્યો.

"ભલે આવે. તારે તેનું શું કામ?” મા બોલતી બોલતી હસતી હતી.

"આ પણ એક લફરું લાગ્યું છે. બાને એ અજાણી છોકરીનું કોણ જાણે શુંયે ઘેલું લાગ્યું છે? છે ભૂંડી કાળવી.” તેજિગ બબડતો હતો.

"અને તું તો ગોરો હઈશ, ખરુંને?' બાએ કહ્યું, "જરીક આરસીમાં જોઈ તો લે તારું મોઢું તારા બાપુ માથે જ ઊતર્યો છે.”

ભાલની બિહામણી ધરતીમાં એક ખાતરાની અંદર ખાડો ખોદાવા લાગ્યો. અને તેજિગ ખોદતો હતો ત્યારે અનોપ નીચે વળી માટી બહાર કાઢતી હતી. એણે પહેરેલાં હીરનાં ચીર રગદોળાતાં હતાં. તેજિગ એને વચ્ચે આવતી દેખી વધુ ને વધુ ભઠતો હતો: “આ છોકરી પણ ગજબની હરખપદૂડી છે.”

"બરાબર જોઈ લેજે, હો દીકરી" કુમારદેવી અનોપને કહેતાં હતાં, “આ ખાડાની ચતુર્દિશી તું બરાબર યાદ રાખજે.”

"હા, મા" અનોપે હળવા સ્વરે કહ્યું, “આજ અજવાળી છઠ છે. જુઓ પેલો