પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
54
ગુજરાતનો જય
 


“હા બા!” અનોપના મોંમાં તો વેણ હાજર જ હતું.

“શું?”

"લુણિગભાઈ મરતે મરતે કહેતા હતા તે. ડુંગરા ઉપર પ્રભુજીનું બિમ્બ પધરાવો.”

"હા-હા – સરસ વાત !” વસ્તિગ તો રાજી રાજી થઈ ગયો, “બા ! અનોપની પાસે પ્રભુએ જ બોલાવેલ છે.”

કુમારદેવીએ અનોપને પોતાની ગોદમાં દાબી દઈને હર્ષ જણાવ્યોઃ “ડાહી દીકરી ! તેં તો સ્વર્ગના દરવાજા ઉઘાડી દીધા. મારે હૈયેથી બધો ભાર હળવો થઈ ગયો. હું તો અત્યાર સુધી ફફડતી હતી. સોનું નહીં પણ સાપ ઘેર લઈ આવ્યાં એવું થતું હતું. તને આવી સરસ વાત કોણે સુઝાડી?”

“પેલી મહણદેવી કાન્યકુબ્જવાળીએ જ તો !” તેજિગે કટાક્ષ કર્યો, “મરીને એ વ્યંતરી થઈ છે એમ સૌ કહે છેને ! આ પોતે જ એ અવતાર હશે તો કોને ખબર !” એ છેલ્લા બોલ તેજિગ ગળી જતો જતો બોલ્યો.

બીજા દિવસે રસ્તામાં ધંધુકા આવ્યું. ત્યાં એ બધું સુવર્ણ વિશ્વાસપાત્ર નાણાવટીને ત્યાં મુકાયું અને યાત્રિકો આગળ વધ્યાં.

ત્રણેક મહિને માતા ને બે પુત્રો પાછાં ફર્યા ત્યારે તેજિગને ખબર પડ્યા કે માએ તો પોતાની વેરે અનોપનું વાગ્દાન સ્વીકારી લીધું છે.

ને ફરી વાર પાટણ ભણવા ઊપડેલા તેજિગનું હૈયું બે વાતો વચ્ચે ઝોલે ચડ્યું – અનોપની ચામડીની કાળાશ અને અનોપના હૃદયબુદ્ધિના ઉજાસ વચ્ચે.