પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[7]

છે. બીજા ખંડમાં ગુજરાતના પુનર્નિમાણનાં શૃંગો અને તેના પતનની કંદરાઓ, બેઉ રજૂ થશે. બીજા ખંડમાં પ્રબંધમાન્ય તેમજ સમકાલીન લેખકોએ સ્વીકારેલ સમગ્ર એક ઘટના-પરંપરાની ઈમારત ચણાશે. એમાં પણ મારી કલ્પના ઓછામાં ઓછું સ્થાન લેશે, વધુમાં વધુ ઇતિહાસની જ ચણતરસામ્રગીને મળશે.

પ્રબંધાદિક ઐતિહાસિક આધારોની છણાવટ કરતી એક સવિસ્તર પ્રસ્તાવના બીજા ખંડમાં આપવી છે.

પૂઠા પરનું ચિત્ર મારા ભત્રીજા શ્રી લાભચંદ મેઘાણીનું દોરેલું છે.

26-4-1940
ઝવેરચંદ મેઘાણી
 


[બીજી આવૃત્તિ]

આ પ્રકટ થાય છે ત્યારે 'ગુજરાતનો જય' ખંડ બીજો પણ વાચકોને મળી ચૂક્યો છે. બે ક્ષત્રિય વીરો, બે વણિક વીરો, એક બ્રાહ્મણ અને બે નારીઓ – એવાં સાત મુખ્ય પાત્રોએ પોતાનાં પરાક્રમ, શીલ, શાણપણ, અને સમર્પણ કરી સઘન અંધકારમાંથી અજવાળેલો વિક્રમના તેરમા સંવત્સરની છેલ્લી પચીસીનો ગુર્જર દેશ આ બંને ખંડ દ્વારા આપણને પહેલી જ વાર ઓળખવા મળે છે, એમ કહું તો અત્યુક્તિ નથી. વસ્તુપાલ-તેજપાલને વિશે ઘણાં વર્ષો પૂર્વે બેએક નવલકથાઓ બહાર પડેલી, પણ તેમાં આજની આપણી ઇતિહાસદૃષ્ટિ માગે છે તેવું યુગનિરૂપણ નહોતું. વસ્તુપાલ-તેજપાલ આજ પર્યંત કેવળ એક ધર્મ-સંપ્રદાયના ધુરંધર દાનેશ્વરીઓ લેખે જ રજૂ થયા છે. આપણે આજે તેમને સાંપ્રદાયિકતાના ચોકઠામાંથી કાઢી માનવતાના મહાભુવનમાં પધરાવી શક્યા છીએ. મારા જીવનનું એ એક ઊજળું પર્વ છે.

પહેલા ખંડના નવસંસ્કરણમાં એક મહત્ત્વનો ફેરફાર પ્રકરણ ત્રીજાના નવેસર આલેખનથી થયો છે. પહેલી આવૃત્તિમાં આસરાજ-કુંઅરદેવીની પ્રેમઘટના મૂળ ઇતિહાસ-સામગ્રીનો આધાર રાખીને મેં મારી કલ્પનાથી ઘટાવી હતી. તે પછી ભાઈશ્રી ધીરજલાલ ધનજીભાઈ શાહે મારા હાથમાં 'જૈન સાહિત્ય સંશોધક' નામના એક ત્રૈમાસિકનો સં૦ 1983 નો એક અંક મૂક્યો, જેમાં 'મહામાત્ય વસ્તુપાલતેજપાલના બે રાસ' એ મથાળે, શ્રીલક્ષ્મીસાગરસૂરિ તથા પાર્શ્વચંદ્રસૂરિ નામના વિક્રમની સોળમી ને સત્તરમી સદીમાં થઈ ગયેલા જૈન સાધુઓના રચેલા બે રાસ જોવામાં આવ્યા. આ રાસમાં કુંઅરદેવીનું અપહરણ આસરાજે એક સાંઢણી પર કર્યાની રોમાંચક કથા છે. આ કથાનો આધાર લઈ મેં પ્રથમ ખંડના એ પ્રકરણનું આલેખન નવેસર કર્યું છે.

20-12-1942
ઝવેરચંદ મેઘાણી