પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
56
ગુજરાતનો જય
 

ધોળકે જતા – હવેલીઓ ને મંદિરો બંધાય છે માટે નાણાવટીઓ ધોળકાને પંથે પળતા હતા – ત્યાં વેપારની જમાવટ થાય છે માટે. ગુજરાતની સારી સમૃદ્ધિ અને શક્તિ ધોળકામાં ઠલવાતી હતી. પાટણનો મહામંડલેશ્વર રાણો લવણપ્રસાદ ધોળકું જમાવી રહ્યો હતો. યુવાન વીરધવલની મીટ જન્મજન્માંતરની જૂની કોઈ તૃષાએ સળગતી ધોળકાની દિશાએ મંડાઈ જતી. અસ્ત થતો સૂર્ય જાણે કે રંગનાં તોરણો બાંધી જતો હતો – ધોળકાને દરવાજે.

ખેતી કરતા બાળનું આતમ-ખેતર પણ આ વટેમાર્ગુઓની વાતો વડે ખેડાયે જતું હતું. અને માતા તેમ જ દેવરાજ બેઉ રોજ રોજ ઊઠી જોતાં હતાં કે આ દીકરાના મોં પર પિતા લવણપ્રસાદની રેખાઓ ઊપડતી આવે છે.

પણ વીરના જીવતરમાં એક નવી વિદ્યાનો ઉઘાડ થયો. ખેતરે આવીને એક દિવસ દેવરાજે એને કહ્યું, “દશેરાએ બળદવેલ્ય દોડાવી જાણછ, પણ હોળીમાં પટ્ટાલાકડી ખેલતાં આવડે છે?”

“એ તો યોદ્ધાઓનું કામ.”

“ના રે ના, વિદ્યા તો જે શીખે તેની; શીખવી છે?”

“તમને આવડે છે?”

“આપણે બેઉ સામસામા શીખશું? "

"હા.”

દેવરાજ મૂળ તો ક્ષત્રિય, ને મૂળ તો એનું નામ પણ ત્રિભુવનસિંહ. પણ ગુજરાતની અંધાધુંધીમાં પોતે વીરુને ને મદનરાણીને લઈ છુપાઈ ગયો ત્યારથી ફરી કદી એણે પટ્ટાના દાવને સંભાર્યા નહોતા. દીકરાની સામે ખેલમાં ઊતરીને એ દાવ તાજા કરવા લાગ્યો.

રોજ સાંજે પટ્ટાલાકડી – એવી અનેક સાંજો ગઈ અને વીરુનાં બાવડાં-કાંડા વજ્રનાં બનાવતી ગઈ. દેવરાજે પોતે વીરુના ઘાવ પોતાના દેહ પર ઝીલ્યા ને ઘણી વાર તો હળદરના પાટા બાંધવા પડે તેટલી હદ સુધી વીરુનો માર ઝીલીને એણે વીરુમાં આત્મશ્રદ્ધા પ્રકટાવી.

પછી એક ચાંદની રાતે વાડીએ (વાસુ) સૂવા જઈને એણે બે ભાલા બહાર કાઢી વીરુને બતાવ્યા..

“આ શા માટે?” વીરુએ વિસ્મય પામીને પૂછ્યું.

"બેય રમશું” એમ બોલતો બોલતો બાપ હસવા લાગ્યો.

“પણ એ તો મને આવડે નહીં.”

“હું શીખવીશને?"