પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૭૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
64
ગુજરાતનો જય
 

છે? આવેતુઓ કેમ અટકી જાય છે?' એમ પૂછતાં પૂછતાં પાણી વધુ ને વધુ ઉત્સુક બની, આરાનાં પગથિયાં ઉપર દોડાદોડ કરે છે, પણ આરાના લીસા પથ્થરો તેમને લપસાવીને પાછાં મલાવમાં ઉતારી મૂકે છે, પછી જવાબ આપે છે:

'કારણ કે મામા સાંગણ આંહીંનું મંત્રીપદ કરે છે અને એને મોંએ મીઠાશનું મધ ઝરે છે.'

'મોંએ મીઠાશ ઝરે તેથી બીજાં નાસે કેમ?'

‘એમ કે મનમાં ઝેરી કાળા નાગને સંઘરે છે મામા.'

'મનમાં કાળા વખનાગ શું કરે છે?'

'ધવલક્ક(ધોળકા)ની પ્રજા ઉપર ઝીણા-મોટા નવા કરવેરા નાખે છે, અને ધવલક્કની નીપજ વામનસ્થલી ભેગી કરે છે.'

'મામાને એમ કરવા કોણ આપે છે? શા માટે એમ કરવા દે છે?' ’ 'મામાને એમ કરવા રાજના અધિકારીઓ આપે છે, જૂના દંડનાયક વામનદેવ પણ મામાની મદદમાં છે. ગામેગામના પટ્ટકિલો (પટેલો) ભળી જાય છે, કેમ કે મામાની લૂંટમાંથી એમને ભાગ મળે છે.'

આરાના સ્વરો, વાત જેમ જેમ આગળ ચાલી તેમ તેમ ભયભીત અને ધીરા બનતા ગયા. અહોરાત બડબડાટ કરવાની પાણીની લત તો જાણીતી છે ! એટલે વળી પાછાં અજંપ્યાં જળ નવા પ્રશ્નો પૂછીને આરાનું મગજ પકવે છે –

‘મોટા રાણા ને નાના રાણા કેમ પોતાના રાજને લૂંટાવા આપે છે?'

'બેમાંથી એકેયને ક્યાં ખબર છે? નવા રાજા, નવી પ્રજા, પોતાનું કોણ? મોટામાં મોટું સગપણ બેન-ભાઈનું. ભાઈને પોતાનો ગણીને રાણી જેતલબાએ રખેવાળ કર્યો. કોને ખબર કે વાડ થઈને ચીભડાં ગળે છે?’

‘નાના રાણાને મોટા રાણાએ વામનસ્થલીના એવા લૂંટારા પઢિયારને ઘેર કાં પરણાવ્યા?' જળનો અવાજ વેદના પકડતો હતો.

'સામેથી દેવા આવ્યા. ગળે પડ્યા. ગણતરી જ એવી કે બેનની માલમતાએ ઘર ભરવા થાશે. મોટા રાજવળાને દીકરી દેવાનો એ જ આશય હોયને !'

'જેતલબાનેયે જાણ નહીં હોય?’

'જેતલબાના દરદાગીના પણ મામાએ તાળાંચાવીમાં રાખેલ છે. જેતલબાને તો પટાવી લીધાં છે – એમ કહી કહીને કે તારો સસરો તો ગુજરાતને આબાદ કરવા ગાંડોતૂર બન્યો છે. ધોળકાની સંપત્તિ પાટણમાં લઈ જઈ પધરાવે છે, તને ભીખ માગતી કરશે, લાવ તારા દરદાગીના સાચવીને રાખું.'

‘મોટા રાણાને પાટણનું શું હજુય ઠેકાણે નથી પડતું?’