પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
70
ગુજરાતનો જય
 

લાગે તેમ નથી.”

“એને ખબર તો છે કે આજ બપોરે મામા પધારવાના છે ને સૌએ હાજર રહેવાનું છે ! આંહીં કાંઈ ન્યાતનો જમણવાર નથી કે કોઈ માનપાન માગે!”

"વહુ આણું લઈને આવ્યાં છે, ભાઈ, છેક ભદ્રાવતીથી. અને આ તો તેજપાલ શેઠની ભરજુવાની છે.”

"કેટલીક વયનો છે?”

"સમજાતું જ નથી. છેલ્લાં પાંચ વર્ષોથી જોઉં છું એવો ને એવો લાલચટક છે.”

“કહે છે કે રાતે ગામબહાર રાણકીના મેદાનમાં જઈ મારો બેટો તલવારપટા ખેલે છે.”

"અમે તો સાંભળ્યું છે કે વહુને પણ કટારી વીંઝતાં શીખવે છે.”

“એની મા મંડલિકપુરમાં ગુજરી ગઈ. એ જબરી હતી. રંડીપુત્ર શે'જાદા બન્યા છે.”

"એનો મોટોભાઈ ક્યાં છે?”

“એ તો હજુય, કહે છે કે, પાટણ અભ્યાસ કરે છે, મુનિ વિજયસેનસૂરિ પાસે. આ ભાઈને ને સરસ્વતીને હાડવેર, એટલે એ વેળાસર ધંધે લાગી ગયા.”

“આ તેજપાલની નાણાવટ કેવીક ચાલે છે?"

કોઈએ ધીમેથી કાનમાં કહ્યું: “ભારી નીતિવાન હોવાનો ઘમંડ રાખે, ચોરાટિયો ખેડુ-ગંજ રાખે નહીં. પટ્ટકિલોને વરસ દા'ડે કશું જાણે નહીં, એટલે બે પાંદડે થાય ક્યાંથી?”

“પણ વહેવારનો બહુ ચોખ્ખો, ભાઈ!”

*

નગરશેઠની દુકાનની મેડી પર તકિયાને અઢેલીને એક રાજપૂત બેઠો હતો. એની સુરવાળ, એની ભેટ અને એના પગનો તોડો વગેરે સ્પષ્ટ બતાવતાં હતાં કે આ રાજપૂત અણહિલપુર કે ગુજરાતની નહીં પણ સોરઠની પેદાશ છે.

“મામા, જય સોમનાથ,” એમ કહી કહી બેઉ હાથે લળી લળીને માન દેતા વ્યાપારીઓ ટપોટપ બેસી ગયા. એમાંથી કોઈકને જ એ મામા નામે ઓળખાયેલા ક્ષત્રિયે સામો હોંકારો વાળ્યો.

એને મન જાણે આ બધાં મગતરાં જ હતાં. એની આંખો ઠરડી જ રહેતી. આંખોના ખૂણાને પોતે અંદરથી જોર કરીને ઈરાદાપૂર્વક જ લાલ રાખતો હોય એમ લાગ્યા કરતું.