પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શાંત વીરત્વ
73
 

રોમાંચિત કર્યા. ઘણાએ આ મામલો જરા આગળ વધે એમ ઈચ્છયું. પણ તેજપાલને જરાકે તપ્યા વગરનો જોઈ કેટલાકને નિરાશા થઈ. અંદરની ગરમી બહાર ન દેખાડનારો ઘણાને બેવકૂફ લાગે છે.

"ચૂપ કરો, મંડલિકપુરના ચમરબંધી ! અમારો તો ઠીક, પણ કૃપાળુમામાશ્રીનો તો વિનય રાખો જરાક” વામનદેવ નામનો ખેસધારી આ વખતે ખેસને સંભાળવો ભૂલી જઈને તાડૂકી ઊઠ્યો.

“નોંધો એના પાંચસો દ્રમ્મ.” મામા સાંગણે ટાઢાબોળ શબ્દે ફક્ત આટલું જ કહીને, વિનયભેર ઊભેલા તેજપાલને ફક્ત એક જ વાર નજરમાં લીધો. બેઉનાં નેત્રો પરસ્પર ભાલાં અફળાય તેમ અફળાયાં. એમાંથી ઝરેલા તણખા કોઈ ત્રીજાએ જોયા નહીં.

વામનદેવ ખેસ ધારીએ હર્ષભેર દોતમાં કલમ બોળતે બોલતે કહ્યું: “ખાસી વાત. પતે છે કજિયો. આ દ્રમ્મ પાંચસો, નાણાવટી શ્રીમાન તેજપાલ આસરાજના.”

"શાના પાંચસો?” તેજપાલે વિનયથી પૂછ્યું.

“એટલું પણ જણાવવું બાકી રહે છે? કુંવરપછેડાના.”

“તો ઠીક ! હું સમજ્યો કે દંડના હશે.”

તેજપાલ ફક્ત એટલું જ બોલ્યો એટલે ઘણાને ફરી વાર નિરાશા થઈ; આશા તો હતી કે કાંઈક વાંધો પાડશે.

“એ છેકી નાખજો.” તેજપાલે વામનદેવને સ્વસ્થ શબ્દ કહ્યું.

“શું કહો છો?”

"કહું છું કે એ રકમ મારા નામ પરથી છેકી નાખજો.”

"એટલે! ! ! –"

"એટલે કે રદ્દ કરી નાખજો.”

"શેઠ, મને ભાષાના અર્થો શીખવવા રહેવા દો. ને જે કાંઈ કહેવું હોય તે કૃપાળુ- મામાશ્રીને કહો.”

"તો હું મામાશ્રીને પણ કહું છું.” તેજપાલના ઉચ્ચારમાં ઓજસ હતું કે મૂર્ખતા, તે હજુય નક્કી નહોતું થઈ શકતું.

મામાનું કાંધ ફર્યું. એણે કહ્યું: “એ છોકરાને આંહીં ઓરો બોલાવો ઓરો.”

“તેજપાલ શેઠ, આંહીં મોખરે પધારો કૃપાળુમામાશ્રી પાસે.” વામનદેવે ખેસના છેડા વતી વાહર ખાતે ખાતે અને ગળેથી પસીનો લૂછતે લૂછતે કહ્યું. ને તમામ આંખો તેજપાલ શું કરે છે તે જોવા અધીરી બની રહી. તેજપાલને ચાલવાની સૌએ કેડી કરી આપી. એ મામા સાંગણની સમક્ષ ઊભો રહ્યો ત્યારે મુકાબલે છેક