પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
[9]

ખંભાતમાં પ્રભુ ભીમેશ્વરના યાત્રોત્સવ પ્રસંગે પહેલી વાર ભજવાઈ હતી. હમ્મીરનું 'મીરશિકાર' એવું નામ મેં બીજાં પ્રમાણો પરથી સ્વીકાર્યું છે.

રેવતી, ચંદ્રપ્રભા, સોમેશ્વરદેવનાં પત્ની, એ ત્રણ કલ્પિત છે. રેવતીના પાત્રને સૂત્રમાં પરોવ્યા પછી હું આગળ વિકસાવવા અશક્ત નીવડ્યો છું.

મારી વાર્તા તો વસ્તુપાલને દિલ્હીથી દોસ્તીનો લેખ લઈ પાછો વળેલો બતાવીને જ પૂરી થાય છે. કેમ કે ગુજરાતના જયનો તબક્કે ત્યાં પૂરી થાય છે.

તે પછી, પતનનાં પગરણ જુદા જુદા પ્રબંધોમાંથી તારવીને કડીબંધ કરી આપેલ કાચો માલ જ છે. એ પાનું પતનનું છે એટલા માટે જ અલગ પાડ્યું છે. ઉપરાંત એ કાચા માલનું વાતગૂંથણ વધુ જગ્યા માગી લે તેમ હતું, કે જેને માટે આ ભેટ-પુસ્તકની પૃષ્ઠમર્યાદામાં અવકાશ નહોતો. ને હવે ત્રીજો ખંડ લખીને શ્રી મુનશીના નબળા નકલકાર ઠરવાનો અને તેમ થતાં એમને, મારી જાતને તેમ જ આ ઈતિહાસને અન્યાય થવાનો ભય લાગે છે.

વિરમદેવને 'પ્રબંધચિંતામણિ' અને 'પ્રબંધકોશ' તેમ જ શ્રી ગૌરીશંકર ઓઝા સમય પ્રમાણભૂત ઇતિહાસકાર વીરધવલના મોટા પુત્ર તરીકે ઓળખાવે છે, પણ મુનિશ્રી જિનવિજયજીએ સંપાદિત કરેલ 'પુરાતન પ્રબંધમાં'ના વસ્તુપાલ-તેજપાલવાળા પ્રબંધમાં એને રાણા લવણપ્રસાદનો પુત્ર અને વીરધવલનો ભાઈ કહ્યો છે, એટલું જ નહીં પણ લવણપ્રસાદની રાણી મદનરાજ્ઞીની સાથે દેવરાજ પટ્ટકિલના ઘરમાં હતો તે પુત્ર વીરધવલ નહીં પણ આ વીરમદેવ હતો એવું વિધાન છે. હું તો આ વાતમાં જૂની સ્વીકૃત પરંપરાને જ અનુસર્યો છું.

વીરમદેવને પ્રબંધો નરદમ દુષ્ટ તરીકે જ ઓળખાવે છે. મેં એને અનાડીનું સ્વરૂપ આપી કંઈક ગેરસમજનો ભોગ બનેલા, તિરસ્કૃત પાત્રની કરુણતા આરોપી છે. કોઈપણ વાર્તામાં મહત્ત્વનું પાત્ર નરદમ નિર્ભેળ, ખલ કે દુષ્ટ લેખે જ મુકાવું ન ઘટે, પણ મનોવિશ્લેષણનો કરુણ કોયડો રજૂ કરતું બતાવવું જોઈએ એવો એક નવતર અભિપ્રાય છે. મને એ મત માન્ય કરવા જેવો લાગે છે. ઉપરાંત ગુજરાતને એકચક્રી બનાવવાની ભગીરથ સાધનામાં અનેક દુષ્ટોને, દુશ્મનોને વશ કરનારા મંત્રી બાંધવોની બુદ્ધિ વીરમદેવને જ કેમ ઠેકાણે ન લાવી શકી, છેવટ જતાં તેનો શિરચ્છેદ પણ કેમ કરાવવો પડ્યો, એ મારે મન મોટી સમસ્યા બની જતાં મેં વીરમદેવના પાત્રાલેખનથી મંત્રી-બેલડીને જે સહેજ દૂષિત કરેલ છે તે ઐતિહાસિક દ્રષ્ટિએ બેશક નિરાધાર છે; પણ પતનનાં પગરણ માં મેં જે સીધા પ્રબંધના પ્રસંગો ઉતારેલ છે તેને આધારે વાર્તાકારની કલ્પનાને આટલી છૂટ મળવી ઉચિત છે. એ પ્રસંગો બોલે છે કે વીરમદેવ સાથે શાક્ય રમાયું હતું.