પૃષ્ઠ:Gujaratno Jay.pdf/૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રજાનો પહેલો હુકળાટ
77
 

દરવાજા ભીડી દીધા. તેજપાલ હસ્યો –

"હિચકારા મામાએ ભોગળો ભિડાવી છે, ભાઈઓ!”

"તોડો દરવાજા!”

“ખબરદાર કોઈએ તોડવાનું કે ભાંગવાનું નામ લીધું છે તો!” તેજપાલનો મેઘનાદ ઊઠ્યો, “ખબરદાર, આંહીં મારકૂટ કે કજિયો કરવાનો નથી. મારકૂટ કરવી હોત તો પછી મામાની તલવાર ક્યાં મારા હાથમાં નહોતી આવી”.

“હા ભાઈ,” જાણકારો કહેવા લાગ્યા, “મામો તો તેજપાલ શેઠનું માથું ઉડાડવા તૈયાર થઈ ગયો હતો. અને તેજપાલ શેઠે તો તલવારને બેવડ વાળી દીધી.”

"મહાજનના માણસ પર તલવાર ચલાવે ! કોણ એ મામો કંસ?”

"મારું માથું તો, ભાઈઓ,” તેજપાલ ઊંચે ચડી બોલ્યો, “રાણા વીરધવલનું જ છે ને રાણી જેતલબાનું છે, પણ એ માથું રાણા એમ સસ્તે ન વટાવે. એ માથાનાં મૂલ રાણાને પૂરેપૂરાં ઊપજે તો સુખેથી વાઢી લે. પણ કુંવરપછેડાને માટે માથું ! ધોળકાના પ્રજાજનનું મહામૂલું માથું શું મામો વાઢી શકે? ન બને.”

"મામો ક્યાં છે? મામાને બહાર કાઢો. મામાને હાજર કરો.” જનહાક વધતી ગઈ.

રાણી જેતલદેવી હજી આજે જ વીસ વાસા નહાઈને ઊઠ્યાં છે. પુત્ર વીરમને ધવરાવી રહ્યાં છે. ગઢમાં દોડાદોડ થઈ રહી છે. દેવડીને ઉંબરે સમદર ગાજે છે. 'મામો ! મામો ! મામો !' એ વગર બીજા શબ્દો નથી.

જેતલદેવીને જાણ થઈ. સગો ભાઈ સાંગણ કાંઈક કાળું કૃત્ય કરીને આવ્યો છે. વસ્તી વીફરી છે. ગામડાં પણ હૂકળ્યાં છે. મામાનાં પાપોનો સરવાળો અણધાર્યો મોટો થયો છે. જેતલદેવી તો જાણે સ્વપ્ન જોઈ રહી. એને કશી જાણ નહોતી.

દીવે વાટો ચડી હતી. અંધારું થયું હતું. અંધકારમાં જનગર્જન હોય તેથી સો ગણું સંભળાય છે, માણસોની સંખ્યામાં પડછાયાની સંખ્યા ઉમેરાય છે, હસતા ચહેરા પણ દાંત કચકચાવતા કલ્પાય છે, છીંદરું સરપ બનીને સળવળે છે.

પ્રસૂતિને ખાટલેથી તાજી ઊઠેલી સુવાવડીના ક્ષીણ મગજ પર ભયના ઓળા રમી રહ્યા. શું છે? ક્યાં છે સાંગણ? કેમ દેખાતો નથી? શોધી કાઢો.

પણ મામાનો પત્તો નથી. અને મામાના કબજામાં રહેતા જામદારખાનાનાં પીંજરાં ખાલી પડ્યાં છે. મામાની સાથે જેતલદેવીનું ઘરેણુંગાંઠું પણ અલોપ થયું છે.

જેતલદેવી ભાઈને – માના જણ્યાને – ઓળખતી નહોતી. સોરઠનો એ લૂંટારો બહેનનેય બાવી બનાવી જશે એવી બીક કદી નહોતી લાગી.