પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
સિદ્ધિની લાલસા.

આગળ વધતા ગયા. એજ વખતે મૃદુ પવનની લહરથી સૂર્યનો તાપ નરમ પડવા લાગ્યો અને જમનાનું જલ ઉછાળા મારવા લાગ્યું, અને તે સમયની એવી અવર્ણ્ય ખુબી બની રહી છે તેથી સર્વ અંગ આનંદમય થઇ રહ્યાં. આવી પ્રોત્સાહક હવામાં જાણે આત્મા પોતે પણ વધારે પુનીત અને આનંદિત લાગવા માંડ્યો.

ગુલાબસિંહ સહજ બોલી ઉઠ્યો “વળી આ બંદો તો નાસ્તિક છે, માણસને સમાન કરવાની વાતોમાં પરમેશ્વરને લાત મારે છે. જગત્‌નું ચૈતન્યરૂપ કારણજ માનનો નથી — ઈશ્વરને સ્વીકારતો નથી ! તું સત્યવિધાનો ઉપાસક છે ? તો વિશ્વચમત્કૃતિનો અભ્યાસી હોઈ આવી વાત કેમ સાંભળી પણ શકે ? ઈશ્વર અને બુદ્ધિ એ વચ્ચેનો સંબધ દૃઢ છે, એ ઉભયને તે વાત કરવાની ખાસ ભાષા પણ જુદી છે. ઠીક કહે છે એના એજ મુસલમાનો કે હુસ્ન — શરીરનું કે મનનું — તેજ ઐશ્વર્ય છે, તેજ ઈશ્વર છે.”

જેને કોઈ પ્રેતપિશાચ સાથે સંબંધ છે એમ ધારતો હતો તેનાજ મોંમાંથી આવા બોલ નીકળતા સાંભળીને લાલાના મનમાં આશ્ચર્ય લાગ્યું અને બોલી ઉઠ્યો “આટલું તમે માનો છો છતાં એમ કહે છે કે તમારું જીવતર બીજા માણસોથી વિલક્ષણ હોઈ બીજાને ભોગવવાથી ભય થાય એવું છે ? ત્યારે શું પરમ ધાર્મિકતા અને ચમત્કાર વચ્ચે કાંઈ સંબંધ છે ?”

“ચમત્કાર ! ચમત્કાર એ શું છે ? પોતાની શક્તિથી જે નથી બનતું તે બીજાથી બની શકે એમ સાધારણ લોક માનતા નથી. પણ ચમત્કાર શબ્દથી જો તું એમ સમજતો હોય કે, વિશ્વના અજાણ્યા પણ અમુક નિયમ પ્રમાણે બને તેવા બનાવ; તો હું કહું છું કે તેવા ચમત્કારનો હું અભ્યાસી છું. અને યાદ રાખજે કે જે એવો અભ્યાસ કરે છે તે સર્વધર્મ અને શ્રદ્ધામાત્રના મૂલ નિયમોની વધારે સમીપ છે. સ્થૂલ વિશ્વનેજ જે લોક માને છે તે નાસ્તિક કહેવાય છે, જે લોકો આત્મસત્તાને અને ચૈતન્યને સ્વીકારે છે તે આસ્તિક કે ધાર્મિક કહેવાય છે; સ્થૂલના નિયમોને જેમ નાસ્તિકો સમજે છે તેમ ચૈતન્યના નિયમોને આસ્તિક સમજી શકે છે. એ વાત ન જાણનારા નાસ્તિકો તેને ચમત્કાર અથવા વહેમ કહે છે, પણ એમાં તેમની સમજણનોજ દોષ છે. ચમત્કારની એ ગુપ્તવિદ્યા છે; અને ધાર્મિક લોકો યદ્યપિ તેમાંજ મોક્ષ માનતા નથી. તથાપિ તેને સમજી શકે છે શું તે અસલ ભણવામાં ન આવતી ? પણ ક્યારે ? છેક પરમહંસ અવસ્થામાં ગુપ્તમંડલના મહાત્માઓ તે