પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪
ગુલાબસિંહ.

બનાવતા. તું પોતેજ ચિત્રવિદ્યામાં કુશલ છે તે શું આવી વિદ્યા તરફ નથી લક્ષ દેતો ? જમાનામાં થઈ ગયેલાં રૂપનું અવલોકન કરી, હવે પછી થનાર રૂ૫ની આકૃતિ મનમાં ખડી કરી લેવી, એ શું તારું કામ નથી ? તને ખબર નથી કે ચીતારો હો કે કવિ હો, પણ તે જો સત્યનો શોધક હોય, તો તેણે નજરે પડે છે તે સ્થૂલ સૃષ્ટિને કેવલ વીસરી જવી જોઈએ, અને વિશ્વચમત્કૃતિને કાબુમાં લેવી જોઈએ, પણ તેને તાબે થવું ન જોઈએ ? તું ભૂતકાલની વાત સમજી ભવિષ્યનો તર્ક બાંધે છે; તે ખરી વિદ્યા એજ નહિ કે ભૂત ભવિષ્ય ઉભયને મેળવવાં અને નિરંતર વર્તમાનમાંજ વિહરવું ? તારી કલ્પનાના મંત્રથી તું હજારો અદૃશ્ય સત્ત્વ ઉભો કરવા ચહાય છે, તો ચિત્રવિદ્યા બીજું શું છે ?–અદૃશ્ય સત્ત્વને દૃશ્ય સત્ત્વરૂપે સ્થાપવું તેજ. તને આ જગત્ ગમતું નથી ? એ જગત્ ખરા બુદ્ધિમાનને માટે બનાવેલુંજ નથી. બુદ્ધિશાલી માણસોએ તો પોતાને રહેવા માટે નવુંજ જગત્ બનાવી લેવું જોઈએ. ગમે તેવો ગુપ્તવિદ્યાભ્યાસી ચમત્કાર કરનાર સિદ્ધ એથી બીજું શું કરી શકે તેમ છે ? અથવા કયું પદાર્થવિજ્ઞાન એની બરાબરી કરે તેમ છે ? માણસના મનમાંની વિષયવાસનાથી અને જગત્‌નાં સંકટથી છુટવાના બે રસ્તા છે, તે સ્વર્ગ અથવા નરક સિવાય ગમે ત્યાં લઈ જાય છે :—પરાવિદ્યા અને અપરાવિદ્યા; પણ પરાવિદ્યાજ ખરી દૈવી છે. અપરાવિદ્યા જેને તમે કલા, સાહિત્ય શાસ્ત્ર, વ્યવહાર આદિ નામ આપો છો તે મિથ્યા છે. અપરાવિદ્યા શોધી લાવે છે, પરાવિદ્યા નવી રચના કરે છે. તારામાં એવી શક્તિ છે કે તું પરાવિદ્યાને પાત્ર થાય, પણ હવણાં જે છે તેથી સંતોષ માન. જે ખગોલવેત્તા અગણિત તારાગણનું અવલોકન કરી તેની ગણના કરે છે તે, છે તે સૃષ્ટિમાં, એક કણ પણ નવો નીપજાવી શકવાનો નથી, પણ કવિ હશે તે એક કણમાંથી આખી સૃષ્ટિ ખડી કરી શકશે; કોઈ રસાયન જાણનાર, માણસના શરીરનાં દરદ દૂર કરશે; પણ કોઈ ચીતારો કે શલાટ, ખરાં દૈવી પૂતળાંને સનાતન રૂપ આપી જરા- મરણથી મુક્ત કરશે. તારા મનમાં જે ગરબડ થાય છે ને જેને લીધે તું ઘડીમાં મારી તરફ વળે છે ને ઘડીમાં જગત્‌ને સમાન કરનાર પેલા હરામખોર તરફ તણાય છે, તે તજી દે. તારી પીંછી એ તારો જાદુનો દંડ સમજ ને તે વડે એ બંદો કે એને બાપ કહી બતાવે તે કરતાં પણ વધારે રંગીલાં જગત્ ભલે ખડાં કર; તારી ભાવનાએ રચેલા વિશ્વને જ દૃશ્ય કરતાં શીખ. એમાંજ ખરા સત્યનું અને આર્યત્વનું તત્ત્વ છે. એથી વિરુદ્ધ વિચારો કરનારા બંદા જેવા દ્રોહીનો વિશ્વાસ ન કર. તારો આખરનો વિચાર હજુ પણ હું પૂછતો નથી; પણ