પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬
ગુલાબસિંહ.

લાગ્યાં. આવા તરંગની સાથે, પોતાના આખા જીવતરમાં ન જાણેલા એવા સ્વચ્છ અને અગાધ પ્રેમના વિચાર પણ આવવા લાગ્યા. બુદ્ધિમાન્ પુરુષો બાલક જેવા અજ્ઞાનથી જે રસમય કલ્પનાઓ ખડી કરે છે, ને તેમાં, કલ્પેલી વસ્તુ પ્રાપ્ત ન થતા સુધી પરમ આનંદ પામે છે, તેવી કલ્પનાઓમાં લાલાજીનું મન ભમવા લાગ્યું. એની મેળેજ એની કલ્પનામાં એવા ઘરના તરંગ ઉઠવા માંડ્યા કે જેમાં પોતાની કલાથી સર્વ આનંદ પ્રાપ્ત થઈ રહે, અને માના પ્રેમથી સર્વ વસ્તુ સુખમય બની રહે, આવા મનોરાજ્યમાંથી તુરતજ તેને તેના મિત્ર 'રામલાલે જગાડી પ્રત્યક્ષનું ભાન કરાવી દીધું !

જે માણસમાં નિશ્ચયવાળી બુદ્ધિ કરતાં કલ્પનાનું વધારે જોર હોય તેવાનાં ચરિત જેમણે અવલોક્યાં હશે, અને તેમનું દુનિયાંદારી સંબંધી જ્ઞાન કમતી છે એમ સમજી, તેમના મનમાં ગમે તેવા વિચારો ઝટ દાખલ થઈ શકવાની સુલભતા જાણી હશે, તેમના ધ્યાનમાં આવ્યું હશે કે તેવાં માણસ પર કોઈ સાદો, હિંમતવાન્‌ અને દુનિયાંદારીનો બૂઠો માણસ બે ને બે ચાર સમજાવીને કેવી જબરી અસર કરી શકે છે ! લાલાને પણ આ પ્રસંગે એમજ બન્યું. એના મિત્રે એને ઘણી વખત ભયમાંથી બચાવ્યો હતો, અને એના વિચારનાં પરિણામથી ઉગારી લીધો હતો; રામલાલની વાણીમાંજ એવું કાંઈક હતું કે, જેથી લાલાની તમામ ઉચ્ચાભિલાષા ક્ષીણ થઈ જતી, અને એને તેવી અભિલાષાના આનંદ માટે, નાહિંમત થઈ ગભરાઈ જવા કરતાં પણ વધારે થઈ આવતું, અને બહુ શરમ લાગતી. કારણ કે રામલાલ સારો પ્રામાણિક છતાં પણ માણસની ઉદારતાથી થઈ આવેલા છૂટાપણાને, તેમજ લુચ્ચા માણસોના ધીટપણાને અને ભોળાંની દીનતાને, સહન કરી શકતો નહિ. દુનિયામાં એ સીધે રસ્તે જનાર માણસ હતો, તેથી જે માણસો તે રસ્તો તજીને ટેકરા ટેકરી ઉપર ચઢી, ગમે તો એક નાના પતંગીયાને પકડવા કે ગમે તો કલ્પવૃક્ષની શાખાને પકડવા ફરતા હોય તેમને તિરસ્કારનીજ નજરથી નીહાળતો.

રામલાલે હસતે મોઢે કહ્યું “'લાલા ! જો કે હું ગુલાબસિંહ નથી તો પણ તારા મનની વાત કહું ? તારી આંખમાં આવેલાં ઝળઝળીયાં અને તારા હોઠનું મલકાવું એ બે ઉપરથી હું અનુમાન કરી શકું છું. તું પેલી જક્ષણીના વિચારમાં છે, પેલી નાની નટડી !”

“નાની નટડી !” લાલો સાંભળતાંજ ચમકી ઉઠ્યો; ને બોલ્યો “જો હું