પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
ગુલાબસિંહ.

પવનની લેહેરથી આમ તેમ ઉડ્યાં કરી એની સુંદર કાંતિનું સહજ દર્શન આપ્યાં જતા હતા. દિવસની ગરમીને લીધે કે પછી ગમે તે કારણથી એના ગાલ તેજ મારી રહ્યા હતા, અને એની વિશાલ કાળી આંખો અતિ અલસ જણાતી હતી. અહો ! રંગભૂમિપરનો ભવ્ય સ્વાંગ ધારણ કરી હજારો મશાલોની રોશની આગળ પણ મા કોઈ વાર આવી અને મનોહારિણી જણાતી નહિ.

એની પાસેજ, ઉમરાની અંદરની પાસે, પેલી બુઢ્ઢી દાસી ઉભેલી હતી. જેવો નિશ્ચય ભરેલો, તથા બાલકને કોઈ વાત સહજમાં ગળે ઉતારે એવો, ઘરડાં અનુભવી બૈરાં અવાજ કાઢે છે, તેવા અવાજે તે બોલી ઉઠી “બેટા ! હું તને ખાત્રીપૂર્વક કહુ છું કે આખા દીલ્હી શહેરમાં એવો બહાદુર ઉમરાવ મળવાનો નથી, તેમ તેવો કાન્તિવાળો પણ નજ જાણવો. મેં તો વળી એમ પણ સાંભળ્યું છે કે એ જયપુરવાળા તો પૈસાદાર પણ ઘણાં હોય છે, અને એવું કહે છે કે તેના સોના મોહોરો તો એ લોક કાંકરાની પેઠે ઉડાવે છે. કેમ બેટા ! કેમ ધ્યાન આપતી નથી ? આમ શું કરે છે !”

“ગુલાબસિંહને માટે આવી વાત કહેવાય છે ?” રમા, પોતાની બુઢ્ઢી દાસીનું લાલાજી તથા જયપુરવાસીઓને માટે કહેવાનું ન ગણકારતાં બોલી ઉઠી.

“રામ રામ રામ ! એ જાદુગર ધૂતારા ગુલાબસિંહનું નામ જવા દે. તારે સમજવું જોઈએ કે એનું સુંદર મોહોડું તથા તેથી પણ વિશેષ સુંદર એની મોહોરો એ બધું જાદુનો ખેલ છે. તે દિવસે એણે જે થેલી મને આપી હતી તેને હું ઘડી સાયતે ઉધાડી જોઉં છું કે તે મોહોરોના કાંકરા તો થઈ નથી ગયા.”

“ત્યારે” મા એ બિહીતે બિહીતે આતુરતાથી પૂછ્યું, “તું એમ માને છે કે જાદુની વાત સાચી છે !”

“માનું ? — જાદુને માનું છું?— રામ, કૃષ્ણ, પરશુરામ, એમને માનું છું એમજ પૂછને. પેલા માછીના છોકરા ઉપર જ્યારે વૈદ્ય લોકે હાથ ધોઈ નાખ્યા ત્યારે તેને એણે શી રીતે ઉભો કર્યો ? પોતે ત્રણ વરસ થયાં જીવતોને જવાન છે તે કેમ? જેમ ડાકણો કરે છે તેમ જોતાં વારજ ગમે તેને વશ કરી નાખે છે તે પણ કેમ ? કોણ જાણે બીજું શું શું એ કરતો હશે ! ડાકણોની વાત સાંભળી નથી ?”

“અહો આનું જ નામ જાદુ ! — એના જેવું છે ખરૂં. હોવું જ જોઈએ.”