પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૫
ગુલાબસિંહ.

દુનીયાંને ખુશ કરવા માટે મથવું એ તો મહાદુષ્ટ ભાગ્યની નિશાની છે.”

“ચાલ, ત્યારે, મારી સાથે ચાલ;” એમ પેલા ચીતારાએ ઘણા આવેશ તથા આગ્રહદર્શક શબ્દથી કહ્યું, “અને જે તારા પ્રેમી દિલને મારા એકલાનુંજ થઈ રહેતાં અટકાવે છે, તેવા ધંધાને તજ. હાલ અને હવે પછી સર્વકાલને માટે મારા ભાગ્યને આધીન થા, — મારા આનંદમાં, મારા વિચારમાં, મારી વિદ્યામાં. તું મારાં ચિત્ર અને ગાનની અધિષ્ઠાત્રી થઈશ અને તારી કાન્તિ ઘણી પવિત્રતા તથા ખ્યાતિને પામશે. મહોટા રાજાઓના દરબારમાં કોઈ રતિ કે સતીના ચિત્ર પાછળ હજારો લોક ભેગા મળશે, અને સર્વે કહેવા માંડશે કે અહો ! આ તે મા, મા, મા, હું તને મારા ઈશ્વરને ઠામે પૂછું છું, મને કહે કે મેં તારી પૂજા આટલા કાલથી ફોકટ નથી કરી.”

માએ, પોતાનો હાથ હાથમાં લેઈ ધીમે ધીમે પાસે આવતા આશકની તરફ જોઈને કહ્યું “તું ઘણો ભલો તથા સુંદર માણસ છે, પણ મારી પાસે શા બદલાની આશા રાખે છે ?”

“પ્રેમ, પ્રેમ, ને પ્રેમ ! બીજું નહિ.”

“નાની બહેનનો પ્રેમ !”

“અરે ! આમ છેક તરછોડીને શું બોલે છે !”

“તારે માટે તો એવા પ્રેમ વિના બીજું કાંઈ મારી પાસે બાકી રહ્યું નથી. સાંભળ જ્યારે હું તારૂં મુખ દેખું છું, તારો ધ્વની સાંભળું છું, ત્યારે મારા અંતઃકરણમાં કોઈ અવર્ણ્ય શાંતિ તથા ગંભીરતા પ્રસરે છે અને તમામ વિચાર મંદ પડી જાય છે — અરે ! કેવી તપી જાઉં છું, કેવી ગભરાઈ જાઉં છું; જ્યારે તું જાય છે, ત્યારે મને દિવસ એક આની વધારે વસમો લાગે છે, પણ વળી બધું ચાલ્યું જાય છે. મને તું સાંભરતો નથી; મને તારા વિશે વિચાર આવતો નથી; ના, તારે માટે સમગ્ર પ્રેમભાવે ટળવળતી નથી. ત્યારે જ્યાં મારો એકાગ્ર પ્રેમ વળગ્યો છે ત્યાંજ હું મારા આત્માનું અર્પણ કરીશ.”

“પણ હું તારો પ્રેમ સંપાદન કરીશ, મનમાં પાછી ન હઠ. તું જે પ્રેમભાવ મારે માટે બતાવે છે તે ખરે, મુગ્ધા અને નિર્દોષપણાનો નિષ્કલંક સ્નેહભાવ છે, પણ તેને વધતાં શી વાર છે?”