પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
ગુલાબસિંહ.


“નિર્દોષપણાનો ! શું નિર્દોષપણાનોજ સ્નેહભાવ છે ! હા, હોય પણ ! ત્યારે ભલા પરદેશી ! તું મારા જેવી માબાપ વિનાની મુગ્ધાને પરણશે ! મને ખાત્રી છે કે તું દયાલુ છે, ઉદાર છે. હું નથી ધારતી કે એજ નિર્દોષતાનો નાશ કરવાની તારી ઈચ્છા હોય !”

આ શબ્દો સાંભળતાંજ મનમાં શરમાઈ પોતાની દુષ્ટ વાસનાનો તિરસ્કાર કરતા લાલો પાછો હઠ્યો.

પોતાના આશકના મનમાં જે લજ્જા, શંકા, પશ્ચાતાપ ઇત્યાદિ ભાવની ગરબડ ચાલી રહી તેનું ભાન ન છતાં પણ ઉભી થઇ જઈને મા બોલવા લાગી “નહિ, નહિજ, તારા મનમાં એ વિચાર નહિજ હોય. મને મૂકી દે; મને ભૂલી જા, ચાલ્યો જા. તું જેના પર પ્રેમ રાખવાનો વિચાર કરે છે તેનો સ્વભાવ તું સમજતો નથી, તારા ખ્યાલમાં પણ આવી શકે તેમ નથી. મને મારા બાલપણથીજ એમ ભાસે છે કે મારા કર્મમાં કોઈ વિલક્ષણ તથા ચમત્કારિક સંકટ લખેલું છે; હું સામાન્ય માણસ જાતિથી એટલી વાતે જુદી છું. આની આજ ભાવના મારા મનમાં દિન પ્રતિદિન દૃઢ થતી જાય છે— કોઈ વાર મનને ઉન્મત્ત બનાવી દે તેવા આનંદનો અનુભવ કરાવે છે, કોઈ વાર ગહન અંધકારમાં ડુબાવી દે છે. મને લાગે છે કે સંધ્યાસમયનાં કિરણો આસપાસ ધીમે ધીમે ફેલાતાં જતાં હોય તેવી એ વાત છે. તુરતજ અંધકાર આવશે, મને લાગે છે કે હવે મારું આવી બન્યું છે, થોડો વખત વીતવા દે, એટલે ચારે તરફ અંધકારજ થઈ રહેશે.”

માનું આ બોલવું લાલો સ્પષ્ટ જણાઈ આવતા ગભરાટથી સાંભળી રહ્યો, તે બોલતી બંધ રહી કે બોલ્યો “મા ! તારા શબ્દો સાંભળી હું હંમેશાં કરતાં પણ વધારે તારી સાથે બંધાતો જાઉં છું. જેવું તને લાગે છે તેવુંજ મને લાગે છે. મારા મનમાં તો મારી સર્વ વૃત્તિને ઠંડી કરી નાખે તેવી અને અલૌકિક ભવિષ્યની કલ્પના થયાં કરે છે. માણસના સમૂહમાં પણ હું એકલોજ હોઉં એવું મને લાગ્યાં કરે છે. મારી સર્વે રમત ગંમતમાં, મહેનતમાં, પ્રયાસમાં, મને એવી સૂચક વાણીનો આભાસ શ્રવણદ્વારા થયાંજ કરે છે કે ‘તારી તરૂણાવસ્થા પછીની અવસ્થામાં તારે માથે મહાદાવાનલ તૂટી પડનારો છે.’ જ્યારે તું તારા વિશે બોલી ત્યારે, જાણે મારો પોતાનો આત્માજ બોલતો હોય એમ મને ભાસ્યું.”