પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુલાબસિંહ.

હોય તેવા વિષય ઉપર કાવ્ય રચવાનો એને ઘણો શોખ હતો. કારણકે એને પોતાની કલ્પનાએ રચેલી કોઈ નવી દુનિયાંમાંજ આનંદ શોધવો પડતો. કલ્પનાની વચ્ચે વચ્ચે એવા તરંગ દાખલ કરી દેતો કે કોઈ તેવા સાંભળનારને તો તેથી ભય પણ લાગી જાય. એણે જે ગ્રંથ રચી મૂકેલા તેનાં નામ “ભૂતની ભવાઈ” “નજરબંદી” વગેરે ઉપરથીજ એના મનના વલનનું, અને એને લોકપ્રિય ન થવાનાં કારણનું અનુમાન કરી શકાય. સારે નશીબે આપણા કવિને ગાવા અને રચવા ઉપરાંત બજાવવાની કલા પણ સારી હાથ બેશી ગઈ હતી, નહિ તો કાવ્ય સાહિત્યના નિયમાનુસાર વિચાર અને શૈલીને પ્રમાણ કરનાર રસિક લોકના જમાનામાં એ બીચારો વૈભવી ન થાત એટલુંજ નહિ પણ ભુખે મુવો હોત. બજાવવાની કલામાં તે એક્કો હતો; શોકીન લોક પોતાને રુચે તેવા વિષયનું એની પાસે ગાન કરાવતા. તેથી એના મનના સ્વાભાવિક તરંગ કાંઈ મિજાન પર રેહેતા, તોપણ એનું મન એવું રસિક અને તેથી સ્વછંદી થઇ ગયેલું હતું કે એટલાને લીધેજ એને બે ચાર વાર તો જે રાસધારીની મંડલીમાં રાખેલો હતો ત્યાંથી રજા આપવામાં આવી હતી. પણ એના જેવો બીજો બજાવનાર મળે કોણ ? તેથી એને પાછો નોકરીમાં રાખ્યો. ધીમે ધીમે પણ પોતાના માલીકોને ઉંચે ચઢાવી શક્યો નહિ, ત્યારે, બીચારો આવી સામાન્ય રીતે પોતાની શક્તિનો ઉપયોગ થતો જોઈને પણ સંતોષથી દિવસ ગાળવા લાગ્યો. પરંતુ શેહેરથી દૂર જમના નદીના કિનારા ઉપર પોતાનું મકાન હતું ત્યાં જઈને આ બધા વહીતરાનો બદલો એ સારી રીતે વાળી લેતો. સરંગી હાથમાં લેઈ એવી રીતે તેને છેડતો કે તેના તાનમાં ને તાનમાં સર્વ પશુ, પક્ષી, તન્મય થઇ જતાં અને ગામડીઆ લોક પણ જાણે કે જમનામાંથી કોઈ જલદેવતાજ આવીને તેમને બીહીવરાવતો હોય તેમ ચમકીને તેને પગે લાગવા મંડી જતા.

આ માણસની આકૃતિ તેની બુદ્ધિ અને કલાને અનુરૂપ હતી, એની આકૃતિ ઉદાર અને જોનારના મનમાં માન ઉત્પન્ન કરે તેવી હતી, પણ ફીકર અને ચિંતાથી કાંઈક શિથિલ જણાતી. કાળા બાલના ગુચ્છા ગમે તેમ લટકતા રહેતા, વિશાલ અને ઉંડી ગયેલી આંખો સ્થિર વિચારમાં ગરક હોય તેવી મંદ, અને જેમ સ્વપ્નમાં પડીને નવી નવી રચના જોઈ રહી હોય તેમ ચકિત રહેતી. એના મનમાં વિવિધ ઉર્મિ ઉઠે તેને અનુસરી ગતિ પણ વિલક્ષણ, આકસ્મિક, અને અકારણજ થતી હોય તેવી જણાતી; અને