પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૯
ગુહ્યાગરનો દરાવાજો.

બંદાના જવાથી એકાંત મળ્યું કે પાછું લાલાનું ધ્યાન જે ચિત્રો પોતે જોતો હતો તે તરફ વળ્યું. હવે એનું લક્ષ તિની આકૃતિ પર પડ્યું. જોતાંજ વિહ્વલ થઇ, તેના રૂપમાં, લાવણ્યમાં, શરીરસૌષ્ઠવમાં લીન થઈ ગયો, મનમાં વિવિધ તરંગ ઉઠવા લાગ્યા. આ ઉશ્કેરાયેલા મને લાલો ત્યાંથી ઘર તરફ ચાલી નીકળ્યો. ઘેર જતાં પોતાના ટીખળી અને કેવલ સ્થૂલપરાયણ મિત્ર રામલાલને ઘરમાં ન જોઈ રાજી થયો. બે હાથ પર મોઢું મૂકીને વિચારમાં પડી ગયો; અને ગુલાબસિંહની સાથેની છેલ્લી મુલાકાત વખતે થયેલી વાતચીત સ્મરણમાં લાવવા લાગ્યો. એને ખાતરી થઈ કે ચિત્રવિદ્યા વિષે પણ બંદાની સાથે વાત કરવી એ પાપ જેવું છે, જે માણસ આત્માને કેવલ જડનો યૌગિક પરિણામ કહે છે તેને એવી ગહનવિદ્યા વિષે વાત કરવાનો શો હક છે ? ખરી વાત છે, શુદ્ધ વિદ્યા તેજ ખરો જાદુ છે, ખરો મંત્ર છે. જાદુમાંજ ધર્મ છે; ધર્મબુદ્ધિ વિના વિદ્યા ચાલતી નથી, એ પણ તેના ધ્યાનમાં આવ્યું. આવા વિચારમાં ને વિચારમાં એનું મન સંસારને વીસરી ઘણા ઉચ્ચ અને હૃદયોલ્લાસક તરંગમાં રમવા લાગ્યું; સહજ એણે પીંછી રંગ અને કાગળ આણી મોં આગળ મૂક્યા. ચિત્રનો વિષય પસંદ કરવાના વિચારમાં એની કલ્પના ઉંચી ને ઉંચી ઉડવા લાગી, રમણીયતાનાં વિવિધરૂપ એણે પરખવા માંડ્યાં, બીજા તમામ વિચાર ગેબ થઇ ગયા. દુનીયાં એની નજર આગળથી તદ્દન ખશી ગઈ, કોણ ઉંચા પર્વતની ટોચે ચઢી ને વિશ્વચમત્કૃતિ જોતો હોય તેમ, વિચારશ્રેણિની ટોચેથી નીહાળવા લાગ્યો. આવા તોફાને ચઢેલો એના હૃદયરૂપી દરીઓ ખુબ ઉછળી, કૂદી, ઘુઘવીને જરા શાન્ત પડવા લાગ્યો, તેજ વેળે પૂરો દિલાસો આપનાર તારાની માફક માનાં નયન હૃદયમાં ચમકવા લાગ્યાં !

એક કોટડીમાં ભરાઈ બેઠો; રામલાલને પણ કોઈ વાર અંદર આવવા દીધો નહિ; પોતાની કલ્પનાના ઘેનમાં મસ્ત એણે ત્રણ દિવસ ને ત્રણ રાત્રિ એજ કામમાં એજ કોટડીમાં ગાળ્યાં. પણ ત્રીજી રાતે, ઘણી મહેનતથી, જે થાક ચઢી આવે છે તે થાક એને જણાવા લાગ્યો. ઉંઘમાંથી જ ગભરાયલો ને થાકેલો ઉઠ્યો; અને કાગળ તરફ નજર કરવા ગયો તો તે પણ એને હવે નિસ્તેજ જણાવા લાગ્યો, જે મહાન્‌ ચિત્રકારોનું પોતે અનુકરણ કરવા બેઠો હતો તેમનું સ્મરણ થઈ આવતાં પોતાની અતિશય લઘુતા જણાઈ–પ્રથમે લક્ષમાં ન આવેલી એવી નજીવી ખામીઓ ને હવે એની નજરે મહોટાં દૂષણરૂપ