પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રમાનું ઘર.

રસ્તે ચાલતાં જાણે દોટ કાઢતા હોય તેમ લાગતું તો કીનારા ઉપર વિચારમાં ને વિચારમાં ફરતાં તે પોતાના મનમાં હસતો અથવા વાતો કરતો જણાતો. એકંદરે તે ઘણો નિરુપદ્રવી નિખાલસ અને ગરીબ સ્વભાવનો પુરુષ હતો, અને એવો દયાલુ તથા નમ્રતાવાળો હતો કે ગમે તેવા બેવકુફ અને રખડતા ભીખારીને પણ પોતાની પાસે હોય તેમાંથી અર્ધો રોટલો ખુશીથી આપતો. આવો છતાં પણ તેને કોઈની સાથે ઝાઝું હળવા મળવાની ટેવ નહોતી. તે કોઇની દોસ્તી ન કરતો, કોઈ મહોટા માણસની ખુશામદ ન કરતો, અને દીલ્હી શેહેરના મોજ શોખની રમત ગમતમાં પણ કાંઈ ભાગ લેતો નહિ. એ અને એની કલ્પના એ બે એકરૂપજ હતાં. બન્ને વિલક્ષણ, સ્વાભાવિક, દુનીઆં પારનાં, અને અનિયમિત હતાં. એની સરંગી અને એ એમના બેના વિષે જુદે જુદો વિચાર આપણે કરીજ શકીએ નહિ. એ તે એની સરંગી અને એની સરંગી તે એ એવો વિલક્ષણ એનો શોખ હતો. સરંગી વિના એ એક તુચ્છ તૃણ સમાન થઈ જતો અને હાથમાં સરંગી આપો એટલે કલ્પનાએ રચેલાં આખાં જગત્‌નાં જગત્‌નો રાજા હોય તેમ મહાલતો.

સરદાર કવિ પોતાની સરંગીને અનુકૂલ પડે તેવાં કાવ્ય રચતો; અને તેમાં પણ માણસની મનોવૃત્તિઓનો એટલે કે જે જે રસ ઉપજાવવો હોય તેનો સ્થાયિભાવ એના મનમાં દૃઢ જડાઈ રહ્યો હોય તેજ પ્રત્યક્ષ પ્રકટ કરતો. આવા ભાવનાં પૂતળાં તે પોતાની નાની સરંગીથી ખડાં કરતો ને નચાવતો. આવાં નાના પ્રકારનાં કાવ્ય રચતાં તેણે એક અપૂર્વ પણ અનુપમ અને કોઇને પણ બતાવેલું નહિ એવું “લક્ષ્મીપ્રભવ” એ નામનું કાવ્ય સંગીતમાંજ રચી રાખ્યું હતું. પોતાની બાલ્યાવસ્થાથીજ એ આ કાવ્યકલિ ઉપજાવવાના તરંગ બાંધતો. યુવાવસ્થામાં તેને પોતાની અર્ધાંગના તરીકે રમાડતો, અને ઉંમરે પોહોંચ્યો ત્યારે તેને પોતાની પુત્રી સમાન લાડ લડાવતો. એ કાવ્ય પ્રસિદ્ધ કરવાને એણે ઘણા પ્રયત્નો કરી જોયા, પણ નિષ્ફલ. નિષ્પક્ષપાતી અને નિર્દ્વેષી રાજકવિ ચંદ પણ એના કાવ્યમાંનો એક ફકરો વાંચી મોં મરડીને ડોકુ ધુણાવવા લાગ્યો. પણ ફીકર નહિ સરદાર ! ધીરજ રાખ, તારી સરંગી બરાબર ચઢાવી રાખ, તારો પણ વારો આવશે.

વાચનાર રામાઓને નવાઈ જેવું લાગશે કે આ વિલક્ષણ માણસે પણ જેને સાધારણ લોક પોતાનું સર્વસ્વ માની લે છે એવો લગ્નસબંધ