પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
ગુલાબસિંહ.


ત્યારેજ સહજમાં કરી નાખુછું. હું હવે મારે દેશ પાછો જવાનો છું, ને ખબર મળી છે કે ત્યાં ખુબસુરત સ્ત્રી હોય તો બધું મળે છે. આવી બાબતમાં અમે વહેમ રાખતા નથી.”

“ચૂપ. બેશી જા; આ શું :” રામલાલે લાલાને કહ્યું કેમકે લાલો દાંત કચડી, ને મૂઠીવાળી આ મુસલમાન પર તૂટી પડવાની તૈયારીમાં હતો.

“ચાલો ચાલો, તમે જેને વિશે વાત કરોછો તેને જરા પણ ઓળખતા નથી. તમે એમ માનોછો કે મા તમારી થશે ?”

“નહિજ, એ કરતાં વધારે લાભકારક કોઈ બીજું મળે તો નહિજ.” રામલાલે ઉંચું જોઈને બેદરકારીથી કહ્યું.

“વધારે લાભ ! મારે કહેવાનું તમે સમજ્યા નથી.” બંદાએ કહ્યું “હું અને પરણવા ધારૂં છું, અને જોકે એને બીજાં લાભકારક માગાં આવી શકે પણ આવું આબરૂદાર તો નહિજ મળે એમ માનુછું. એની અસહાય સ્થિતિની મને એકલાનેજ દયા આવે છે. અને અમારે બાયડીથી જુદું થવું હોય તો અડચણ પણ શી છે ! તમે એમ ધારો છો કે મારા જેવા અકલમંદ ચિત્રકારને મૂકી દિલ્હી શહેરની રસીલી મા બીજાને સ્વીકારે ! નહિ. નહિ. એની પાસેજ જાઉં છું.”

“પ્રભુ તમારી ઈચ્છા પૂરી કરો.” રામલાલે કહ્યું; લાલો બન્નેના તરફ કરડી અને તિરસ્કાર ભરી નજરે જોઈ રહ્યો. આખર બોલ્યો કે “બંદા સાહેબ ! તમારા કોઈ પ્રતિસ્પધી હશે તેનો વિચાર છે ?”

“ભલે; એ તો વધારે ઠીક.”

“હું પોતેજ એના પર ફિદા છું.”

“દરેક ચિત્રકારે તેમ થવુજ જોઈએ.”

“તમે ધારોછો તેમ હું પણ એને પરણી શકું તેમ છે.”

“તમે એમ કરશો તો બેવકુફમાં ગણાશો, જોકે મારે તેમ કરવું વાજબી દીસશે. તમને એ ધંધામાંથી નફો કાઢતાં નહિ આવડે, મને આવડશે. તમે લોક વેહેમી છે, અમે નથી.”

“અરે ! તમારી પોતાની સ્ત્રીમાંથી નફો ! શી વાત !”

થતું આવ્યું છે તે થશે. મને તમારા તરફની કાંઈ દેહેશત નથી. હું કદ્રુપો છું, તમે ખુબસુરત છો. પણ હું નિશ્ચયવાળા મનનો છું, તમે ડગુમગુ