પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૫
ગુહ્યાગારનો દરવાજો.


શકતાં નથી. જા; બાહ્ય સૃષ્ટિમાં રખડી શોધ કર, એ સૃષ્ટિ બુદ્ધિને માટેજ છે, આંતર સૃષ્ટિના ચારાનું અને ફલનું ક્ષેત્ર છે, એટલાજ માટે એને કર્મભૂમિ કહે છે, એમાંથીજ ભાવના, કલ્પના, અને જ્ઞાન પુષ્ટ થાય છે.”

લાલાએ કહ્યું “તમારાં વચનોથી મને આનંદ થાય છે. મારા આ શ્રમને મેં મારી અપૂર્ણતારૂપ દોષ માન્યો હતો, પણ હવે હું તમને તે વિષે કાંઈ કહેનાર નથી. આ શ્રમને મૂકી તે શ્રમના ફલ વિષે હવે હું કાંઈ પૂછવા ધારૂંછું તે ક્ષમા કરજો. જેના સંબંધથી દુનીયાંમાં આબરૂ જાય એવી એકને જો હું પરણું તો તે વિષે તમે જે કાંઈ ગોળગોળ ભવિષ્ય ભાખ્યું છે, તેની વધારે સ્પષ્ટતા માટે પૂછું છું કે તમે અનુભવથી પ્રાપ્ત થયેલા જ્ઞાનને આધારે બોલો છે કે જે ભવિષ્યને પણ જાણી શકે તેવા જ્ઞાનને આધારે ?”

“એ બન્ને જ્ઞાન એક જેવાંજ નથી ? જે માણસ પ્રતિવસ્તુની ગણના કરવાની ટેવવાળો હોય છે તે ભવિષ્યના ગણિતનો કોઈ પણ પ્રશ્ન જોતાની સાથેજ છોડી શકતો નથી ?”

“તમે મારી વાતને ઉડાવો છો.”

“નહિ; હું મારૂં ઉત્તર તમારી સમજમાં જલદી આવે તે પ્રમાણે ગોઠવું છું. કારણ કે એજ વાતને માટે હું તમારી પાસે આવ્યો છું. સાંભળો.” ગુલાબસિંહે પોતાની દૃષ્ટિ લાલાના ઉપર સ્થિર કરી કહેવા માંડ્યું “કોઈ મહાન્‌ અને ઉચ્ચ ભાવનાના લાભ માટે તે ભાવના સંબંધી જે સત્યનિયમ હોય તેનું યથાર્થ અવગાહન એ પ્રથમે આવશ્યક છે. એ નિયમથીજ મહાયોદ્ધાઓ યુદ્ધપ્રસંગના સંભવને માત્ર ગણિતના હીસાબની પેઠે ગણી શકે છે. જે સામગ્રી તે વાપરતો હોય તેના ઉપર ભરોસો રખાય તેવી હોય તો અમુક અમુક પરિણામ આવશે એવું તે નિશ્ચયપૂર્વક કહી શકે છે; આટલું નુકસાન ખમી પેલી નદી પાર કરાશે, આટલા કાલ પછી અમુક કિલ્લો લેવાશે, એનું તે ચોકસ અનુમાન કરી શકે છે. અધ્યાત્મજ્ઞાનનો ઉપાસક, જો તેણે પોતાનામાંના તથા પોતાની સન્નિધિમાંના સર્વ સત્યનિયમનું એક વારે અવગાહન કર્યું હોય તો, આથી પણ વધારે નિશ્ચયપૂર્વક અનુમાન કરી શકે, કે કયી વાત મારાથી સંપાદાન થશે ને કયીમાં મારે પાછા પડવું પડશે :— કારણ કે જે વાત ઉપરથી તે અનુમાન બાંધે છે ને અનિત્ય સ્થૂલમાત્ર નથી, પણ