પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૮
ગુલાબસિંહ.

પશુવૃત્તિને એકજ વૃત્તિ કબજામાં રાખી રહી છે–લોભ, મા ઉપર એણે પ્રયત્ન કર્યો તે દિવસે એના કાકાએ એને બોલાવી ધમકાવ્યો કે મેં પાલી મોહોટી કરેલી સરદારની બાલકી મારી જ બેટી છે તેના ઉપર જો દૃષ્ટિ કરશે તો તને મારી દોલતનો એક દોકડો પણ નહિ પરખાવું. આથી તે આજ સુધી અટકી રહ્યો છે, પણ આપણે અહીં વાત કરતા બેઠા છીએ તેવામાં જ આ અડચણ દૂર થાય છે. મધ્યાન્હ પહેલાં એનો કાકો આ લોકમાંથી જશે. આજ ક્ષણે તારો મિત્ર બંદો એ ઉદ્ધત છોકરા પાસે બેઠો છે અને માને એ ઉમરાવ જ્યારે કહે ત્યારે પોતે લેઈ જાય તો કેટલી પેહેરામણી મળે તેનો બંદોબસ્ત કરે છે.”

“પણ આ બધું તમે શી રીતે જાણો છો ?”

“બેવકુફ ! હું કહું છું તે યાદ નથી કે પ્રેમબદ્ધ છે તે રાત્રિ અને દિવસે જાગતો રહે છે. જ્યારે પ્રેમસ્થાન ભયમાં હોય ત્યારે પ્રેમ કદાપિ ઉંઘતો નથી.”

“તમેજ ત્યારે એના કાકાને ખબર આપેલી ?”

“હા, એમાં શું ! જે કામ મેં કર્યું તે કદાપિ તારેજ કરવું પડ્યું હોત. ચાલ જવાબ દે.”

“આજથી ત્રીજે દિવસે જરૂર કહીશ.”

“ભલે. નિર્માલ્ય સંશયગ્રસ્ત જીવ ! તારૂં સુખ બને તેટલી રીતે છેલ્લી અણી પર ખશેડતો જા. આજથી ત્રીજે દિવસ હું તારો નિશ્ચય માગીશ.”

“આપણે ક્યાં મળીશું ?”

“તું જ્યાં મને આવવો અશક્ય ધારતો હોઇશ તેવા સ્થાનમાં, મધ્યરાત્રીએ; તું મારાથી નાસવાનું કરશે, પણ તેમ થઈ શકનાર નથી.”

“જરા થોભો. તમે મને સંશયગ્રસ્ત, અનિશ્ચિત મનનો, વહેમી કહી ધિક્કારો છો. પણ શું હું કારણ વિનાજ તેવો છું ? તમે મારા મન ઉપર જે વિચિત્ર જાદુ જેવી અસર કરી રહ્યા છો તેને કાંઈ પણ વિચાર્યા વિનાજ મારે વશ થઈ જવું ? તમારા જેવા અજાણ્યા માણસને મારા પર એવો શો ભાવ હોય કે જેથી તમે મને મારા જીવતરનું આ મહોટામાં મહોટું કૃત્ય તે વિષે સલાહ આપવા આવો ? તમે એમ ધારો છો કે પોતાનું ભાન ભૂલી ન ગયો હોય એવો કોઈ પણ માણસ વગર વિચારેજ ઝંપલાવે ને મનમાં એમ ન આણે કે આવા રસ્તે જનારને આટલી શી પડી છે ?”