પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૦
ગુલાબસિંહ.

તને આજ્ઞા કરું છું કે મને તારા ચેલા તરીકે સ્વીકાર.”

“રે ! તું શું માગે છે !” ગુલાબસિંહ જરા ક્રોધસહિત બોલ્યો “એમ થતા પહેલાંની સાધનાવસ્થા માલુમ છે ? એ સમાજની દીક્ષા લેતી વખતે કોઈ ચેલાને એવી એક પણ વાસના ન હોવી જોઈએ કે જેથી તેને સંસારનું સ્મરણ થાય. સ્ત્રીસંસર્ગથી તે સ્વપ્ન પર્યંત પણ છૂટો જોઈએ; લાભ અને સ્પર્ધા તેના મનમાંથી ગયાં હોવાં જોઈએ. વિદ્યા કલા સંબંધની પણ અભિલાષાથી તે મુક્ત હોવો જોઈએ, કીર્તિની તેને સ્પૃહા ન જોઈએ. તારે જે પ્રથમ ભોગ આપવો પડશે તે માનોજ છે ! ને તેને બદલે શું પામીશ ? એવી પરીક્ષાનો પ્રસંગ કે જેને ઘણામાં ઘણી હીંમત તે દૃઢતાવાળા, ખરા આત્મનિષ્ઠ લોકજ પસાર કરી શક્યા છે. તું એ કામને માટે અયોગ્ય છે, કેમકે તારો સ્વભાવ કેવલ ભયનોજ ભરેલો છે.”

“ભય” ! લાલો આખું શરીર તંગ કરી ઉભો થઈ આવેશથી બોલ્યો.

“ભયજ, ને તે કનિષ્ઠમાં કનિષ્ઠ, લોકોક્તિનું ભય, બંદા અને રામલાલનું ભય; તારી પોતાની વૃત્તિઓ જ્યારે ખરી ઉદારતા તરફ વળતી હોય છે ત્યારે પણ તે વૃત્તિઓથી તું ભય પામે છે. એ ઉદારતા પણ તને સાહસરૂપે કે હાનિરૂપે ભાસે છે. તારી પોતાની બુદ્ધિ જ્યારે ઘણામાં ઘણી નવલ અને તાદૃશ હોય ત્યારે પણ તેના સામર્થ્યનું તને ભય રહે છે. એવું તને ભય છે કે સત્ય અનાદ્યનત નથી, એક પરમાત્મા સર્વને યંત્રવત્ ચલવી નિરીક્ષણ કરી રહ્યો નથી ! આવું ભય જે પામર માણસો નિરંતર પામ્યાં કરે છે તે તારામાં છે ! મહાત્મા તેને ઓળખતા પણ નથી.”

આટલું કહીને ગુલાબસિંહ ચાલતો થયો. લાલો પરાજય પામ્યો, ગભરાઈ ગયો, પણ કાંઈ નિશ્ચય પર આવી ન શક્યો. વિચારમાં ગરક થઈ ગયો. એવામાં મધ્યાન્હ થયાનાં ચોઘડીયાં સાંભળી પેલા અમીરના કાકાના મરણની વાત યાદ આવી, આવતાંજ ગુલાબસિંહનું કહેવું ખરું ખોટું કરવા બહાર નીકળ્યો. મધ્યાન્હની બે ચાર પલ આગળજ તેનું મરણ થયું હતું, એકાદ બે ઘડી મંદવાડ રહ્યો હતો. વાત ખરી જાણી ગભરાતો ને ગુંચવાતો ઘર તરફ દોડતો હતો ત્યાં રસ્તામાં મરનારના ભત્રીજાના ઘરમાંથી બંદાને પણ નીકળતો જોયો.