પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૧
આત્મનિરીક્ષણ.



પ્રકરણ ૫ મું.

આત્મનિરીક્ષણ.

અહીં પૂજ્ય સમાજ ! જેના અનાદિ ઇતિહાસમાંથી આ વાર્તાનો વૃત્તાન્ત કાઢી લીધેલો છે, જેણે અનાદિકાલથી જમાને જમાનાનાં જાણવા જોગ વિદ્યા અને શાસ્ત્રનો સંગ્રહ કરી રાખ્યો છે !—આ ગ્રંથદ્વારા તમારો વ્યવહાર લોકને જણાવવામાં—અપૂર્ણ રીતે પણ જણાવવાનો યત્ન કરવામાં—આવે એ મહા ભાગ્ય ! ઘણાએ તમારા સમાજમાંના છીએ એવો ઢોંગ કરી ગયા છે, અજ્ઞાની પંડિતોએ ઘણા તેવાને તમારામાંના ગણ્યા છે—પંડિતો જે થાકી હારીને કબુલ કરે છે કે તમારી ઉત્પત્તિ જણાતી નથી, તમારાં સિદ્ધાન્ત અથવા ક્રિયા સમજાતાં નથી, તમે અદ્યાપિ જગતમાં હયાત છો કે નહિ તે ૫ણ નક્કી નથી ! તમારામાંના કોઈ મહાત્માદ્વારા મૂલ વેદકાલના સમયના અનાદિ સિદ્ધાન્તો પ્રસિદ્ધિ પામે એ પૂર્ણ સદ્‌યોગજ ! કલિકાલના शिष्णोदरपरायण લોક જે સ્થૂલતામાત્રનેજ ઓળખે છે, ભાવના, ઉચ્ચીકરણ, તેને સમજતા ન હોવાથી સ્થૂલ શરીર અને તે શરીરે કરેલા સિદ્ધિ આદિના ઢોંગને ઈશ્વર માની પૂજે છે, અને ભ્રષ્ટ થાય છે, તેમના આગળ આ શબ્દો–અનાદિ પરમાત્માના વિવર્તરૂ૫ વાચ્– આ પ્રકારે કહી શકાય એ પણ સાંભળનાર કહેનાર ઉભયનું મહાભાગ્ય ! એ એવર્ણ્ય વાચ્ જે નિરંતર વિવર્ત પામ્યાં જ જાય છે એમ અનાદિ શાસ્ત્રો કથે છે, તે ઉચ્ચારવી એ આ પુરાણી દુનીયાંમાં ગુંચવાઈ ગયેલા અમારા જેવાનું કામ નથી; છતાં તત્ત્વદર્શી અને પદાર્થશોધક પંડિતોના શોધદ્વારા જેટલું જેટલું સત્ય આવિર્ભાવ પામતું જાય છે, અને તેવો સ્થૂલ પૂરાવો જેને દુનીયાં મુખ્ય ગણે છે તેથી જેટલું જેટલું સમર્થિત થઇ જગત્‌ની આંખમાં સમાવા યોગ્ય થાય છે, તેટલું તો ગ્રહણ કરવું જ જોઈએ. આકર્ષણ, વિદ્યુત, અને તે કરતાં પણ અધિક તે ચુંબકમંત્ર જે આ વિશ્વમાંથી લેઈ લેતાં બધું વિનાશમય થઈ રહે; એ બધાં જૂના તત્ત્વજ્ઞાનની પ્રથમ અને આરંભક દીક્ષા રૂપે હતાં; તેમાંથી જે તે સમયનાં શાસ્ત્ર અને નીતિ રચાયાં છે. એ અદ્‌ભૂત ઇતિહાસના ટુકડા લઈ તે ઉપર શબ્દરચના ઉભી કરી એ પુરાતન ભવ્યતા ફરી ખડી કરતાં એમ લાગે છે કે કોઈ વિશાલ નગર, જેનાં ખંડેરમાંનું હવે થોડી ચિતાભસ્મના આકાર વિના બીજું કાંઈ બાકી નથી, તેનો ફરી ખ્યાલ કરતા હોઈએ ? એ ભસ્મમાંથી તે ભસ્મ સુધી લાવનાર