પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૫
આત્મનિરીક્ષણ.


તારી મેનાને પકડીને પાંજરામાં પૂર્યા છતાં પણ ગાવા ન લાગી !

“ ‘મેં એનું પાંજરૂં પેલા જુઈના માંડવા તળે મેલ્યું, ને મારી સરંગી લઈ તેના તારની મારફત એની જોડે વાતચીત કરવાનો પ્રયત્ન કરવા માંડ્યો, એમ જાણીને કે ગાન એજ એની ભાષા હશે, અને તેથી તે એમ ઝટ સમજશે કે હું એને દિલાસો આપવા મથું છું.’

“ ‘હા’ તેં કહ્યું ‘તે આખર બોલી, ગાઈને નહિ–પણ તીણી નાની ચીસ પાડી ઉઠીને. તુરતજ તારા હાથમાંથી સરંગી પડી ગઈ અને તારી આંખમાંથી આંસુ વહેવા લાગ્યાં. ધીમેથીજ તેં પાંજરૂં ખોલી નાખ્યું અને મેના ઉડીને સામેની ઝાડીમાં જઈ બેઠી. તેં ઝાડનાં પાંદડાં ખખડતાં સાંભળી ચાંદનીમાંથી જોયું તો જણાયું કે મેના પોતાના સહચર ભેગી થઈ ગઈ. પછી વૃક્ષની ડાળીએથી તેણે તારા આગળ લાંબુ હર્ષ ગાન ઉંચે સ્વરે ગાયું. વિચારતાં તને એમ લાગ્યું કે જુઈના વેલાથી કે ચાંદનીથી કરીને એ પક્ષી રાત્રીને રસિક બનાવતું નથી, પણ એના ગાનમય થઈ જવાનું રહસ્ય તે પોતાના પ્રેમસ્થાનનું સામીપ્યજ છે.’

“એ બાલપણને સમયે હું પોતે સમજી શકું તે કરતાં પણ વધારે સૂક્ષ્મ રીતે તું મારા વિચાર ક્યાંથી સમજી શક્યો ! મારા જેવી ગરીબના ગતવર્ષના વૃત્તાન્તો, ને તે પણ આવા બારીક વૃત્તાન્તો તેની તને આવી માહીતી કયાંથી ? ભવ્ય પરદેશી ! મને આશ્ચર્ય લાગે છે, પણ હવે તારું ભય લાગતું નથી !

*****

“પહેલાં રંગભૂમિ પર જતાં મારૂં હૈયું ધ્રૂજતું. હવે મને ત્યાંની સ્તુતિ નિંદાની પરવા નથી. મને નિશ્ચય છે કે મારા સ્વરમાં મધુરતાજ આવશે; કેમકે હું તે દ્વારા તારા નામનીજ રટના ગાઉં છું. તું હવે આવતો નથી, નજ આવીશ. સામાન્ય લોકમાં ભળી પ્રાકૃત સમાન થયેલો તને જોવા હું રાજી નથી.

*****

“એક વાર તારો વિચાર આવતાં મારું મન ગભરાયું. બાલક જેમ ચંદ્રને ઝાલવા કૂદે છે તેમ મારું મન પણ કાંઈક કદાપિ ન મળે તેવું લેવા કૂદવા લાગ્યું. હવે મને એમ લાગે છે કે તારો વિચાર કરવાથી મારા આત્માનાં તમામ બંધન અળગાં થાય છે, મારા અજ્ઞાનને લીધેજ હું તારાથી ડરતી હતી.