પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
ગુલાબસિંહ.

પુસ્તકોમાંથી ન મળે તેવો કોઈ જ્ઞાનનો ભંડાર તારા શરીરની આસપાસ હવાની પેઠે વીંટાઈ રહેલો છે. મને કેટલી થોડી ખબર છે ! છતાં જ્યારે તું મારી સમીપ હોય છે ત્યારે જાણે તમામ જ્ઞેય અને તમામ જ્ઞાન પરથી પડદો દૂર થઈ જાય છે. જે શબ્દો મારે હાથે લખું છું તે તરફ જોતાં પણ મને આશ્વર્ય લાગે છે, તે મારામાંથી નીકળતા જણાતા નથી, પણ મારા હૃદયને તેં ભણાવેલી કોઈ ભાષાના અક્ષરરૂપ હોઈ, જાણે તારીજ પ્રેરણાથી મારે હાથે લખાતા હોય તેમ આવે છે ! તેંજ મને આખા બ્રહ્માંડમાં સ્વતંત્ર ફરવાનું સામર્થ્ય આપ્યું છે. પૂર્વે હુ મારો આવરદા પૂરો કરૂં છું એમ મને લાગતું, હવે મેં કોઈ અનાદિ પરંપરામાં પ્રવેશ કર્યો છે એમ લાગે છે.

*****

“અને મને એણે બીજા વિષે વાત કરી. બીજાને મને આપવી ! ગુલાબસિંહ ! તારે માટે મને પ્રેમ નહિંજ, નહિ તો મેં તારી વાત ક્રોધ આવ્યા વિના સાંભળીજ ના હોત. તારી આજ્ઞા મને કેવલ અશક્ય જ કેમ ન લાગી ? જેમ ઉસ્તાદનો હાથ સરંગીના તારને દોરે છે, તેમ તારી દૃષ્ટિ મારા તરંગીમાં તરંગી (મજાજને પણ તારી ઇચ્છાને અનુસાર ચલાવે છે. તારી એમજ મરજી હોય તો-હા-ભલે-એમ થવા દે. તું મારા ભાગ્યનો વિધાતા છે, ફાવે તેમ કર. મને એમ લાગે છે કે હું એને ચહાઇશ, તે ગમે તે હો પણ ચહાઇશ, તારી આસપાસ વીંટાયલા કિરણ તું જેના પર નાખીશ તેને ચહાઈશ. તારો સ્પર્શમાત્ર થયેલી વસ્તુ મારા હૃદયને પ્રિયતમ છે. તુ પ્રેમમાત્રનું મૂલ છે. બીજી જે વસ્તુઓ તરફ દૃષ્ટિ કરી શકાય તે સર્વેને, તેજિત કરનાર ઉચ્ચ અને દુરાલોક તેજઃસ્થાન તું છે. તારો ને મારો સંબંધ પ્રેમ નથી જ ! માટેજ તે વિષે હું નિઃશંક થઈ બોલું છું. તારી આગળ હું તુચ્છ છું એમ જાણ્યા છતાં પણ તારા પર પ્રેમનો દાવો કરું તો મને મારા ઉપર ધિક્કાર આવવો જોઈએ.

બીજો મારા મનમાંથી એ બોલ ખસતો નથી. તું એમ કહેવા માગે છે કે મારે તારૂં દર્શન જ કરવું ! દિલગીર નથી કે તેથી નિરાશ નથી, મને આંસુ આવતાં નથી–પણ કેવલ એકલીજ નિરાધાર હોઉં એમ લાગે છે !

“મારી ઈચ્છાને આમ બાંધી રાખી છે તે જાલમાંથી હું કેમ છૂટવા મથતી નથી ? મારૂં આ પ્રમાણે કરી નાખવાનો તને હક છે ? મેં મારું જીવતર તારા હાથમાં સોંપ્યું તે પહેલાં તે જેવું હતું તેવું મને પાછું આપ.