પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
ગુલાબસિંહ.


અલૌકિક છે. મન તથા બુદ્ધિની સવિશેષ ચંચલતા કોઈ કારી રોગની પેઠે યુગોના યુગ પર્યંત ગુપ્ત કે નિર્મૂલ થયા જેવી પડી રહી, કેટલી એ દૂરની પેઢીએ આવિર્ભાવ પામે છે, અને કોઈ રીતિની ચિકિત્સાને કે કલાને પછી ગાંઠતી નથી એમ વકરી જાય છે. હિમાલયના બરફથી ઠંડા અને શીતલ ખંડેરમાંનો તારો એકાન્ત આશ્રમ મૂકી એકવાર મારી પાસે આવ; મારે કોઈ સજીવ વિશ્વાસસ્થાનની અપેક્ષા છે; એવાની છે, કે જેણે પંડે પૂર્વાશ્રમમાં પ્રેમ, ઇર્ષ્યા, સર્વ ખુબ અનુભવ્યાં હોય. મેં પરમશિવનું ધ્યાન ધર્યું, પણ તેની જે છાયા પૂર્વે જ્ઞાનામૃતથી દૈવી આનંદ આપતી, અને પ્રારબ્ધ ઉપર ખરો નિશ્ચય બેસડાવતી, તેજ હવે મને ગભરાવે છે, કષ્ટ પમાડે છે, જે ઉચ્ચ સ્થલથી ભવિષ્યના બનાવની આકૃતિ જોવાનો પ્રયત્ન કરું છું, ત્યાંથી મને ભય અને ક્રોધનાં ચિત્ર નજરે પડે છે. જે વાસના મને વિવ્હલ કરી રહી છે તેની પ્રતિમાઓ ધ્યાન સમયે મહામંત્રની પાછળ આકર્ષતી દેખું છું. જે આશ્ચર્યકારક નિઃસીમ જીવિત મેં ગાળ્યું છે, તેનેજ હવે હું જાણે સીમા બંધાયલી જોઉં છું, જે આધ્યાત્મિક સ્વરૂપે મેં કાલને ખાધો છે, તેને હું હવે સ્થૂલ થયું દેખું છું. ઉડુગણો મને માર્ગ આપતાં ત્યાં હું હવે ફાંસીનાં લાકડાં લટકતાં જોઉછું, અને કસાઈની દુકાનમાંથી નીકળતા હોય તેવા રક્તપ્રવાહ જોઈ કંપુ છું. સવિશેષ તો એ છે કે કોઈ એક સત્ત્વ, પ્રાકૃત લોકના પૂજિત વિચારનુંજ રૂપ, શુદ્ધ સૌંદર્ય તથા પૂર્ણતાની શોધનો ત્રાસદાયક ઉપહાસકારી નમુનો, સર્વદા મારી પાછળ ભમે છે, અને પેલી ફાંસીની આગળ ઉભું રહી મારા તરફ દાંતીયાં કરે છે. આવ, રે અનંતકાલના મિત્ર ! આવ; એક મારા તરફની તો તારી માનુષી વૃત્તિઓને, તારા જ્ઞાને નિર્મૂલ કર્યા વિના રહેવા દીધી હશેજ ! વળી આપણા પૂજ્ય સમાજના નિયમ પ્રમાણે તે સમાજના કોઈ પણ વંશજને સુમાર્ગે ચઢાવવા પણ તું બંધાયલો છે, તો પેલા ભવ્ય પરમારના છેલા કુલાંગાર ( રમાને પકડવા ધારનાર ઉમરાવ) પર નજર કર. વિષયવાસના અને પ્રાણઘાતના વિચારથી એ પોતાનો ખાડો પોતાને હાથેજ ખોદે છે; હજુ પણ એને એના કર્મવિપાકથી વેગળો કરવાનું તને સામર્થ્ય છે. હું પણ જો એની ઇચ્છા હોય તો, તેમજ કરવા બંધાયલો છું પાસું એ મારૂં કહ્યું ન માને અને શરતની વાત પરજ વળગી રહે તો તારે એક ચેલો મળે. વળી એક ભોગ લેતાં વિચારજે. આવ ! આવ ! બંધુ ! આવ; તને આ પત્ર ત્વરિત મળશે, ઉત્તર પણ તેમજ સપ્રેમ સત્વર મોકલજે.