પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ગુલાબસિંહ.


પ્રથમથીજ આવો શોખ લાગતે લાગતે એનું મન કેવલ ગાનમયજ થઈ રહ્યું; એનાં વિચાર, કલ્પના, સુખ, દુઃખ, એ સર્વે, જે સ્વરના રસથી તે એક પળે આનંદ પામતી અને એક પળે ભય પામતી, તે સ્વરમયજ થઈ રહ્યાં. સવારમાં જાગતી પણ એજ સ્વરનાજ ધ્યાનમાં, રાતમાં ઝબકી ઉઠતી તે પણ તેના તાનમાંજ. આવી રીતની જે અવર્ણ્ય તન્મયતા તેનામાં વ્યાપી રહી હતી તેના રેષાચિત્રમાં દાસીની વાતો સાંભળી સાંભળીને એનું મન વિવિધ રંગ પૂરી આકાર અર્પવા લાગ્યું. સ્વાભાવિક છે કે આવી રીતે કેળવાયલું આવાં માબાપનું છોકરૂં ગાયનની દૈવીકલા પણ શીખેજ. તે નાની બાલક હતી ત્યારથીજ કોઈ દેવી ગાતી હોય તેવું અદ્‌ભૂત ગાન આલાપવા લાગી. કોઈ મહોટા ઉમરાવે તેની હોશીયારીની વાત સાંભળીને પોતાની પાસે બોલાવી; અને તેણે તેને વિશેષ કેળવવા સારું બીજા ઘણાં કાબેલ શિક્ષકોને સોંપી. તે ઉમરાવના મનમાં જે મરજી હતી તે ધીમે ધીમે બર લાવવાના વિચારથી તે એને પોતાની સાથે દરબારી રાસ થતા તે સ્થાનમાં લેઈ જતો, કે ત્યાં જે જવાન સ્ત્રીઓ આલાપ કરતી તેને તે જુવે, અને તેમના ઉપર લોકો તરફથી જે વાહ વાહનો વરસાદ વરસતો તેથી લલચાય. તે સ્થલ જોતાંજ તે છોકરીના મન ઉપર ઘણી અસર થઈ ગઈ; અને જેવા પ્રકારનું જગત્ તે પોતાની કલ્પનાઓમાં જોતી તેવુંજ ત્યાં તાદૃશ જોઇ ખુશી થઈ. તેને એમ લાગ્યું કે અત્યાર સુધી તો હું દુનીઆં બહારજ હતી. જેનામાં બુદ્ધિ હોય તેને આવીજ ઉત્કંઠા થઇ આવે છે ! કલ્પના એ શી ચીજ છે તેનો પાકો ખ્યાલ ન હોય ત્યાં સુધી બાલ કે વૃદ્ધ કોઈ પણ કદાપિ ખરે ‘કવિ’ થઈ ન શકે.

આ પ્રમાણે રમાના સંસારનો આરંભ થયો. રંગભૂમિ ઉપર જે મનેભાવનાં ચિત્ર તેને પોતાના અભિનયથી, દૃષ્ટિથી, દર્શાવવાનાં ઠર્યાં તેનોજ તેને અભ્યાસ કરવાનો રહ્યો. આવી જાતની શિક્ષા સર્વ સાધારણ લોકને તે ઘણી ભયકારક છે, કેમકે એ શોખમાંથીજ માણસ બગડે છે. પણ જેના મનમાં કેવલ એ દૈવીકલાના તાદૃશ રૂ૫નું ભાન ખડું થવાથીજ ઉત્સાહ થઇ આવ્યો હોય, તેને તો કાંઈ દોષ લાગી શકતો નથી. જે યથાર્થ રીતે આ कलाને સમજે છે, તેનું મન તો એક આરસી જેવું થઈ રહે છે; પોતાનામાં પ્રતિબિંબ રૂપે પડેલી સર્વ જાતની વસ્તુ બીજાને યથાર્થ રૂપે બતાવે છે, પણ જાતે શુદ્ધને શુદ્ધ જ રહે છે. રમા કલ્પનાના સ્વરૂપને અને વસ્તુના સ્વભાવને સ્વાભાવિક રીતેજ