પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
ગુલાબસિંહ.

રામલાલના મનની વાત સહજમાં પાઈ શકાય એવો એનો સ્વભાવ ન હતો. લાલાના મીજાજથી જરાક વાર ક્ષોભ પામેલા પોતાના મોંને ઠાવકું રાખી, લાલાને એક વાર તો એણે બધો ઉભરો કાઢવા દીધો. પછી ધીમે ધીમે એને ટાઢો પાડી, પલાળવા માંડ્યો. વાતમાં ને વાતમાં એને દિલાસો આપતાં આપતાં બધી વાત કાઢી લીધી; કાઢી લેઈને પણ રામલાલને કાંઈ ખરાબ મતલબ તો થોડીજ હતી; એ નઠારો માણસ ન હતો; જવાનીના તોરમાં નીતિમર્યાદા જેવી શિથિલ હોય છે તેવી એનામાં તે શિથિલ ન હતી, પાકો અનુભવવાળો દુનીયાંદારીનો માણસ હતો. વિચાર કરી મોંઢું ઠેકાણે રાખીને એ બોલ્યો “લાલાજી, એ નર્તકી તારી પત્ની થાય એમાં હું રાજી નથી, પણ એવું તો મેં સ્વપ્ને પણ ધાર્યું ન હતું કે તુ એને તારી માશુક કરી લે. એ બેમાંથી તો ગમે તેવું અવિચાર ભરેલું પણ પરણુવાનુંજ, હું તો, અનીતિ ભરેલા આડકતરા સંબંધ કરતાં, વધારે પસંદ કરૂં. પણ જરા ધીમો પડીને વિચાર કર, હવણાં ને હવણાં શું વહી ગયું છે, થાય છે, વિચારીને થશે.”

“પણ વિચાર તે ક્યારે થશે ? અહીંયાં તો ઘડીએ ઘુંટ ભરાય છે. કાલે રાતે તો ગુલાબસિંહને જવાબ આપવોજ પડશે. એ અવસર ચૂક્યા તો પછી રામ રામ.”

“એ તો નવાઈની વાત ! એવું શું છે ? જરા સમજાવ તો ખરો.”

લાલાજી પણ હતા તો તર મિજાજેજ, પ્રેમના ઉછાળામાં તપીજ ગયેલા હતા, એટલે ખુલ્લે દિલે જે વાત પોતાની અને ગુલાબસિંહની વચ્ચે બની હતી તે કહી દીધી; માત્ર પોતાના પૂર્વજ સંબંધી તથા ગુપ્ત મહાત્માઓ સંબંધી વાત, કોણ જાણે કેમ, દબાવી રાખી. આ વૃત્તાંત જાણવાથી રામલાલને જે જોયતું હતું તે મળ્યું. વાહરે વાહ ! શી ઉંડી સમજણ ! અનુભવી બુદ્ધિમાન્‌ રામલાલે એ ઉપરથી વિચાર બંધ બેસાડ્યો. એની વાત કયો અનુભવી માણસ નાકબુલ કરે ? આ નર્તકી અને એનાથી ધરાઈ ગયેલો પેલો જાદુગર બેએ ઠીક ખેલ રમવા માંડ્યો છે ! શી યુક્તિ રચી છે ! ધીમે રહીને લાલાને સપડાવી દેવાનો પશ્ન પણ કેવો ઉઠાવ્યો ! લાલો પણ એકાએક ઠીક સમજી ગયો ! શું એમ બનવા દેવાય ? એક ગુલાબસિંહે જરા મોઢું ઠેકાણે રાખીને કહ્યું કે બસ કાલ પછી તમે જાણો ને તમારી વાત જાણે, માટે લાલાને ફસાઈ પડવા દેવાય !