પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૩
ભાવિથી નાશી છૂટાય ?

લેવાનું મન પણ હતું નહિ. પૂછપરછ કરતાં એમ જણાયું કે ત્યાંથી થોડે દૂર એક સાધુઓનો મઠ છે, ને તે મઠમાં આજકાલ ઘણા ગૃહસ્થોનો અવરજવર ચાલુ છે, કેમકે સમીપમાંજ આવેલા જ્વાલામુખીશિખરના નવા ફાટી નીકળેલા દિવ્ય અગ્નિનાં દર્શન કરવા અસંખ્ય જાત્રાળુ આવે છે, તેથી ત્યાં સારું ખાન પાન મળશે. આ વૃત્તાન્ત જાણુવા ઉપરથી લાલાજી તથા રામલાલ બન્નેને જ્વાલામુખી સુધી જવાની ઈચ્છા થઈ, અને કેવલ રમત ગંમત માટેજ બહાર નીકળ્યા હતા એટલે ત્યાં સુધી પણ ટપ્પો મારી આવવાનું મનમાં આવ્યું. પણ રામલાલ એમને એમ ઝંપલાવે એમ ન હતું; જો કે લાલાજી જેવા ચિત્રકારનું હૃદય તો ક્યારનુંએ પર્વત અને વનોપવનની લીલામાં લીન થઈ ગયું હતું, આનંદમાં નિમગ્ન થયું હતું, ને વિસ્તાર પામી પ્રકૃત વાતને વીસરી ગયું હતું. રામલાલે પેલા પહાડી ભીલને પૂછી જાણી લીધું કે આ જ્વાલામુખી ઉપર જવાથી કાંઈ હરકત થનાર નથી; તે પછી સાંઢણી મઠ તરફ હંકારી.

મઠના એક ઓરડામાં બન્ને બેઠા છે, મોં આગળ ફૂલ ફલાદિ, મીઠાઈ ઠંડુ જલ, પાનસોપારી, એક મહોર ભેટ મૂકવાથી રજુ થઈ ગયાં છે. એ બધાંનો ઉપભોગ કરતે કરતે રામલાલ બોલ્યો : “કેમ લાલા ! તારા ગુલાબસિંહનું એક વચન તો હવે મિથ્યા થયું ! સાંજ તો પડી ચૂકી છે, હવે કેવી રીતે એ તને મળનારો છે ?”

“એમાં શું ! હજી તો સાતમો દિવસ વીત્યો નથી.”

“અંહ ! ભલેને ગુલાબસિંહ મહોટો સિદ્ધ હોય, પણ તું તો કાંઈ રિક્ષિત નથી જે સાતમા દિવસની વાટ જોઇને બેઠો છે. તું તારા અભિમાનેજ લેવાય છે. હું તો મારી જાતને કાંઈ એવડી બધી અગત્યની માનતો નથી કે મારે માટે વિશ્વના નિયમોજ બધા ફેરવવાની ઈશ્વરને તસદી લેવી પડે.”

“વિશ્વના નિયમ ફેરવે શા માટે ને તે ફરે પણ શા માટે ? તું સમજ્યો છે તે કરતાં તત્ત્વદૃષ્ટિ વધારે ગહન છે, એમાં કાંઈ વિશ્વક્રમને ફેરવી નાખવાની વાત નથી, પણ તે ક્રમમાં જે થનાર છે, તે આગળથી જાણવાની વાત છે.”