પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૫
ભાવિથી નાશી છૂટાય ?

તે લેવા માટે મને મોકલ્યો; પણ અંધારી રાતે અહીં આવવું તે કાંઈ રમત વાત ન હતી. પૈસો બધું કરાવે છે, માટે લાલચને મારે હું અહીં આવ્યો, ને શાલ લીધી; પણ જેવો પાછો ફરતો હતો, તેવોજ જ્વાલાનો ભભૂકો વધવા લાગ્યો, વધી વધીને જાણે બધી ડુંગરી ઉપર છવાઈ ગયો અને આકાશને પણ વીંટાઈ વળ્યો. હું તો અંધજ થઈ ગયો. પણ તેવામાં એજ જ્વાલામાંથી એક કોણ જાણે શું એ ઉભું થઈને મારા તરફ આવ્યું. પણ તે મારી પાસે થઈને જાણે હું છુંજ નહિ એમ મને ગણકાર્યા વિના ક્યાંનું ક્યાં અદૃશ્ય થઈ ગયું ! મારા બાપ ! તે દિવસથી હું લેાહીને લોહી ઓકરૂં છું, ને મેં ફરીથી એકલા અહીંઆં આવવાના સોગન ખાધા છે.”

“કેમ લાલા ! જ્વાલામાંથી નીકળેલું એ ભૂત તારો ગુલાબસિંહ તો નહિ હોય કે !”

લાલાજીનું ધ્યાન તો ક્યાંનું ક્યાં ગુમ થયું હતું, રામલાલની મશ્કરી કરી એનું ધ્યાન ન હતું. પણ આવી ગંમત રમત કરતા એ ત્રણે જણ છેક ટોચ સુધી આવી પહોંચ્યા, એથી આગળ જવાય એમ ન હતું. એમની નજરે જે દેખાવ પડ્યો તેનું વર્ણન કરવુંજ અશક્ય છે. ભવ્યતાને ભવ્યતાજ ઓળખે છે. સામાન્ય લોકની દૃષ્ટિએ ભવ્ય, ભયંકર, ત્રાસદાયક, જણાતા પદાર્થો પણ કેટલા ઐશ્વર્યથી, આનંદથી, મહત્તાથી, ભરપૂર હોય છે, પોતાની મહત્તામાંજ માણસના મનના સાંકડાપણાને મેળવી લે છે, ને પોતે જેમ ભવ્યરૂપે સર્વમય છે, તેમ માણસને પણ એક વાર સર્વાત્મભાવ પમાડી દે છે ! એથીજ એવાં સ્થાન તીર્થ અને યાત્રાને યોગ્ય થતાં હશે ! પર્વતરૂપ ભવ્ય યોધાના શ્યામ શરીર ઉપર કૌમુદીનો શ્વેત જામો ઝુલી રહ્યો છે, તેનો છેડો પણ જણાતો નથી, ને સાંધો કે સીમા પણ દૃષ્ટિએ આવતાં નથી. એ યોધાના મસ્તક ઉપર અનંત રંગ બેરંગી મણિમય મુકુટરૂપે અગ્નિજ્વાલા નાચી રહી છે :– અગાધ, અનંત, ગુહાગારમાંથી સરસરાટ ઉપડી થન થન નાચતી તે યોધાનાં વીર્ય અને પરાક્રમને સ્વર્ગ સુધી પ્રકાસતી ચાલી જાય છે. એ મુકુટ, એ જામો, એ યોધા બધાંને જોઈને પરમ પ્રેમરૂપ ધવલ હિમલતા પણ સહજ સરાગી થઈ છે. ભવ્ય યોધાના પ્રેમનું પ્રતિબિંબ પામી છે ! લાલાજી દિઙ્ંમૂઢજ બની ગયો છે, રામલાલ પેલા ભોમિયા જોડે તડાકા મારે છે.