પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
રમાનું ઘર.

ગ્રહણ કરી શકતી. એના અભિનયમાં પોતે પણ જાણી ન શકે એવું કોઈ અપૂર્વ પ્રકારનું બલ આવ્યું; એનો સ્વર હૃદયને પીગળાવીને અશ્રુરૂપે વેહેવરાવાને, અથવા ગરમ કરી ઉદાર ક્રોધથી ઉકાળે ચઢાવવાને સમર્થ થઇ ગયો. આમ થવાનું કારણ જેનો તે અભિનય કરતી હોય તેની સાથે તેની સ્વાભાવિક તન્મયતા સિવાય બીજું ન હતું. આ અભ્યાસ કરતાં બીજે સમયે જુઓ તો રમા સાદી, માયાળુ, અને કાંઇક મનસ્વી છોકરી હતી; –મનસ્વી તે પોતાના વિચારમાંજ, આગળ કહ્યું તેમ વગર કારણ કોઈવાર આનંદમાં, કોઇવાર ઉદાસીમાંજ ! આ બધાનું કારણ તેની પહેલાંની કેળવણીજ હતી.

ખરેખર ! મૃદુ શરીરવાળી, આનંદકારક રૂપવાળી, વિલક્ષણ રીતભાત અને વિચારવાળી, આ સુંદર બાલા પેલા સરદાર ગવૈયાની નહિ પણ ગાયનનીજ દીકરી હતી, આ છોકરીના નસીબમાં કેવલ કલ્પિત જેવું કોઇ ભવિષ્ય હોવું જોઈએ. આવાજ તરંગોમાં જમાનાની કુંજોમાં આ છોકરી વારંવાર રખડતી અને એવા એવા વિચારો બાંધતી કે જે ગમે તેવા કવિની અથવા પંડિતની કલ્પનામાં પણ વર્ણન માટે આવી શકે નહિ. વારંવાર પોતાના ઘરના ઉમરા ઉપર બેશીને, જમનાના કાળા પાણી તરફ એક નજરે જોતી. ઉનાળાની સંધ્યાકાલે અથવા ચોમાસાના બપોરે જાત જાતના તરંગો ચલાવ્યાં જતી. કોણ એમ નથી કરતું ? કેવલ જવાનીમાંજ નહિ, પણ સર્વ રીતે ગમ ભાગી ગયા હોય એવી વૃદ્ધાવસ્થામાં પણ ! આવી કલ્પનાનાં નગર બાંધવાં એ તો માણસ માત્રનો હક છે; રાજા અને રંક સર્વેને સરખો છે. એ વિના માણસ જીવી જ ન શકત. પણ રમાના મનમાં જે સ્વપ્ન આવતાં તે આપણને આવે તે કરતાં જુદાંજ હતાં.