પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૨
ગુલાબસિંહ.

શુદ્ધ પ્રેમની છાયામાં ઘેર્યો હતો, એજ ઈચ્છા — મનુષ્ય બુદ્ધિની પેલી પાસ સમાયલું ગુપ્ત જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છા — તેનો આ સમયે એને તાવ આવ્યો હતો. એજ વાત એ ઝંખી રહ્યો હતો. ગાન, ચિત્ર, પ્રેમ, રમા ! બધુ જગત્ એટલી એક ઝંખનામયજ થઈ રહ્યું હતું. એ ઝંખનાએ લાલાને જગત્‌માંથી ઉંચકી સ્વર્ગમાં ફેરવવા માંડ્યો હતો, અને આખા વિશ્વની મર્ત્ય કાન્તિનો પ્રેમમાત્ર, ગુલાબસિંહની સાથે એક ક્ષણ પણ અમરત્વના દરવાજામાં પેસવાની કીંમત તરીકે અર્પવાને એ તૈયાર થઈ ગયો હતો. આવા વિચારમાં ને વિચારમાં પડ્યો રહ્યો — મધ્યાન્હ થયા — સાંજ પડી — રાત પડી — ખાવું પીવું વીસરી ગયો — છેવટ ઉઠ્યો. જરા શાન્તિ થાય તેમ પવનને આવવા સારું બારી ખુલ્લી મૂકી. આકાશ સામે નજર બાંધી ઉભો છે, અનન્ત તારાગણની ભવ્યતા પાંજરામાં પૂરેલા પોપટને ચમકાવી રહી છે, એનો જીવ તલપી રહ્યો છે; જોઈ જોઈ હસે છે, વિચારે છે, આત્મવિચાર પામે છે, ઉડે છે. એક તારો સરરર લઈને ખર્યો, અનન્ત બ્રહ્માંડમાંથી વિખૂટો પડ્યો. અને અનન્ત દિગ્‌ વિસ્તારમાં અદૃશ્ય થઈ ગયો !

પ્રકરણ ૧૩ મું.

સિદ્ધિનો પ્રેમમાં લય.

મા અને તેની બુઢ્ઢી દાસી રામગૃહ તરફથી ઘેર આવ્યાં હતાં, અને મા, થાકી પાકી, લાંબી થઈને પથારીમાં પડી હતી. ડોશી માના માથાની સોનેરી લટો જે હાલ છૂટી થઈ અંગ પર છવાઈ રહી હતી તેના ઉપર પોતાનો મીઠો હાથ ફેરવતી હતી. આવું હેત કરતાં બુઢ્ઢી પોતાનાં વયપ્રકૃતિ અનુસાર ધીમે ધીમે લવારે ચઢી; રાસભૂમિ તથા અંતર્ગૃહમાંનાં ટીખળ ટંટ. અને નિંદા કુથલીના ગપાટા હાંકવા લાગી. ડોશીને જેમ ફાવતું આવે તેમ બોલતાં કશી હરકત પડતી નહિ, સ્વભાવે બીચારી ભલી અને ભોળી હતી, એટલે એને કોઈ એક નિશ્ચય થોડોજ હતો. વાત કરતાં છેવટ એટલે આવીને ઠરી કે માએ કોઈ ફક્કડ ઉમરાવને હજી પસંદ કર્યો નથી એમાં મને પોતાને શરમ ભરેલું છે એમ લોકો કહે છે. આવું બોલતાં પણ એમ કહેતી હતી