પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૬
ગુલાબસિંહ.

ઉદ્‌ગારને કોમલ કરના મસળવાથી પ્રદર્શિત કરતી, પોતાનો પ્રૌઢપ્રેમ ઝળકાવતી, –એ બાલા જેવી રીતે આ સમયે ઉભી હતી, તે રીતિથી એની અલૌકિક સુંદરતા કોઈ નવુંજ માધુર્ય ગ્રહણ કરી, હૃદય તથા ચક્ષુને કોઈ અનિવાર્ય આકર્ષણમાં ખેંચતી હતી.

“તને વધારે દુઃખી કરવા તરફ, અહો ! કવચિત્ તારો સમૂલ નાશજ કરવા તરફ, મને ન લલચાવ” ગુલાબસિંહે ગદ્‌ગદ્‌ સ્વરે કહ્યું. “તું જે માગે છે, તેનું તને સ્વપ્ને પણ ભાન નથી કે તે શું છે; ચાલ” એમ બોલતાંજ પાસે આવી, માની કેડે હાથ વીંટાળ્યો “ચાલ, મા ! મારો મિત્રભાવ, મારી આબરૂ, મારૂં રક્ષણ, એ ઉપર તો વિશ્વાસ કર.”

“પણ તારો પ્રેમ નહિ !” એના તરફ પોતાની કાપી નાખે તેવી દૃષ્ટિ કરી પેલી બાલા બોલી. એ દૃષ્ટિ એની દૃષ્ટિમાં મળી, ગુલાબસિંહ પોતાની દૃષ્ટિ એ દૃષ્ટિના જાદુની અસરથી દર કરી શક્યો નહિ. એનું હૃદય પોતાનાજ હૃદય નીચે ઉકળી ઉકળી તરફડાટ કરતું તેને લાગ્યું, એનો ઉષ્ણપ્રશ્વાસ પોતાના ગાલ ઉપર લાગ્યો. થથરવા લાગ્યો, –એજ, અલૌકિક મહાત્મા ગુલાબસિંહ, જે પોતાની જાતિથી વિરક્ત જણાતો ! ઉંડો અને ઉષ્ણ નિઃશ્વાસ નાખી ગુલાબસિંહ બોલ્યો “મા હું તને પ્રેમથી સંકળું છું.” એમ બોલતાંજ માને મૂકી દઈ, એને પગે પડી, બોલવા લાગ્યો “હું હવે આજ્ઞા કરતો નથી, જેવી રીતે પ્રમદાનો પ્રેમ પામવો જોઈએ, તેવી રીતે હું ક્ષત્રિયની પેઠે તે યાચું છું, આ નયનની પ્રથમજ દૃષ્ટિથી, તારા સ્વરના પ્રથમજ આલાપથી તું, મને, મારા પ્રાણથી પણ અધિક પ્રિય થઈ છે. તું જાદુની વાત કરે છે, તારૂં આખું રૂપજ જાદુ છે, જાદુ પોતે તારાથીજ જીવે છે. તારા સાનિધ્યથી છૂટવાને હું દિલ્હીથી નાશી ગયો, પણ ત્યાં એ તું ને તું. હું પાછો આવ્યો, કેમકે મને એમ સમજાયું કે તું આ દુનીયાંમાં એકલી, નિરાધાર, ને દુઃખી છે; તેમજ એમ પણ જણાયું કે હું જેમાંથી તને બચાવી શકું તેવાં અનેક કષ્ટ તારી આસપાસ વીંટાવા લાગ્યાં છે. રે રમ્ય પ્રાણ ! તારી રગે રગ હું બહુ ભક્તિભાવથી સમજ્યો છું; તારા પોતાનાજ કલ્યાણાર્થે, હું તને એવા માણસને સોંપવા ઈચ્છતો હતો કે તને તે મારા કરતાં વધારે સુખી કરી શકે. મા — મા ! —તું જાણતી નથી, તું કદાપિ જાણી શકવાની નથી, તું મને કેટલી ને કેવી વહાલી છે.”