પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૦
ગુલાબસિંહ.

થાય છે — કે આ ઠેકાણે પણ હું નિર્ભય છું, અને તમે તમારા પોતાના ઉપર તેમ તમારા કુટુંબ અને ઘર ઉપર મહાભય વહોર્યું છે.”

પોતે કદી પણ અટકળેલાં નહિ તેવાં નિશ્ચય દૃઢતા અને ધૈર્ય જોઈ આ ઉમરાવ તો આશ્રર્યજ પામી ગયો. પણ પોતે ધારેલા કર્તવ્યથી સહજમાં હઠી જાય કે ડરીને પાછો ફરે તેવો એ ન હતો તેથી માની પાસે જઈ, ખરા કે ખોટા, પણ ઘણા પ્રેમભાવથી ઉત્તર આપવાનું કરતો હતો, એવામાં બારણાને કોઈએ ઠોકવા માંડ્યું. બારણા ઉપર હડસેલા ચાલુજ રહ્યા તેથી, આવા ખલલને માટે ઘણો ચીડવાઈ જઈને પણ બારણું ઉઘાડી, અમીર એકદમ પૂછવા લાગ્યો કે “અત્યારે મારા રંગમાં ભંગ કરવાની અને મારો હુકમ તોડવાની હીંમત કોણે કરી છે ?” ચાકરોનો મુખ્ય ખવાસ ફીકે વદને અને થર થરતે પગે ધીમેથી ગણ ગણ્યો “મહારાજ ! ક્ષમા કરો, પણ નીચે કોઈક આવ્યું છે તે આપને મળવાનો બહુજ આગ્રહ કરે છે, અને એના મોંમાંથી કેટલાક સખુન નીકળ્યા તેને લીધે મને આપનો હુકમ તોડવાનું પણ વધારે યોગ્ય લાગ્યું છે !”

“કોઈક ! — ને તે અત્યારે ! — શું કામ આવ્યો હશે ? એને પેસવાજ શા માટે દીધો ?”

“એ માણસ છાતી ઠોકીને કહે છે કે આપની જીંદગી ઘણા જોખમમાં છે — ને તે પણ દૂર નહિ. એનો વિશેષ ખુલાસો તો તે આપના વિના બીજા આગળ કરવાની ના પાડે છે.”

“અમીરનાં ભવાં ફરી ગયાં; એનું મોં ફીકું પડી ગયું, એક ક્ષણભર એ વિચારમાં પડી ગયો, પણ તુરતજ ઓરડામાં પાછો પેશી રમા પાસે જઇ બોલ્યો “સુંદરી ! ખાતરી પૂર્વક માનજે કે મારે મારો અમલ તારા પર બજાવવાની લેશ પણ ઈચ્છા નથી. પ્રીતિની મૃદુ શક્તિના બલનું તારા પર પ્રબલ થાય એવી મારી પૂર્ણ ઈચ્છા છે. રંગભૂમિ ઉપર કદાપિ પણ તું મહાલી હોય તે કરતાં વિશેષ સ્વતંત્રતાથી આ ચતુરસી વચ્ચે તું રાણી થઈ મહાલ. આજ તો હવે રામ રામ. નીરાંતે નિંદ્રા લે; ઇશ્વર તારાં સ્વપ્ન મારી આશાને અનુકૂલ કરે.” આટલું બોલીને એ ચાલ્યો ગયો, તુરતજ રમાની પાસે અનેક દોઢડાહી દાસીઓ ભેગી થઈ, જેને તેણે ઘણી મહેનતે દૂર કરી, નિંદ્રાને શરણે થવાને બદલે એણે ઓરડાની ચારે બાજુ સૂક્ષ્મ રીતે તપાસી