પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૩
કામાંધનો વિનાશ.

કે તું એમનો સાથી હતો તે ! તને તારી વાત બરાબર ભણાવવામાં આવી નથી — તને માલુમ હોય એમ લાગતું નથી કે સર્વશિરોમણી જ્ઞાનરાશિ છતાં પણ એક લુચ્ચા ઉપર વિશ્વાસ રાખનારા મારા પ્રપિતા જે વખતે તેમની મહાયોજનાઓ ફલિત થવાની તૈયારી ઉપર હતી તે જ વખતે પથારીમાંજ મરણ પામેલા જણાયા હતા — અને ત્સ્યેન્દ્ર એનો મારનાર હતો.”

“રામ, રામ !” પેલા અજાણ્યા માણસે બહુ ખેદથી કહ્યું “જો તારા પ્રપિતાએ ત્સ્યેન્દ્રનું કહ્યું માન્યું હોત, જો તેણે છેલામાં છેલી અને બહુ નાશકારક કસોટીઓ, સંપૂર્ણ તૈયારી વિના, ચઢવામાં વિલંબ કર્યો હોત, તો તારો પૂર્વજ આજે મારી સાથે કૈલાસની ટોચે ઉભો હોત; જે ગિરિરાજના પાદ મૃત્યુરૂપી સમુદ્રનું જલ નિરંતર ધોયાં કરે છે પણ કદાપિ માથે ચઢી શકતું નથી ત્યાં બેઠો હોત, તારા પૂર્વજે મારી પ્રાર્થના ગણકારી નહિ, મારી આજ્ઞાની અવજ્ઞા કરી, અને ગુપ્તવિદ્યા — કે જે મુકુટ અને મણિની વાસના રાખનારથી વેગળી જ નાસે છે – તેને ઝડપવા તલષી રહેલા જીવની ઉગ્ર ચંચલતાથી તેણે ઝંપલાવ્યું; પોતાનીજ ઉગ્રતાના તાપમાં પોતાનું મૃત્યું આણ્યું.”

“એને ઝેર દેઈને ત્સ્યેન્દ્ર નાશી ગયો હતો.”

ત્સ્યેન્દ્ર નાઠો ન હતો” પેલા માણસે પ્રૌઢતાથી કહ્યું “ભયથી દૂર જઈ શકે તેમજ ન હતું, કારણ કે ભય એ વસ્તુ એણે ઘણે દૂર મૂકેલી છે. એ ઉમરાવે અમરત્વ બક્ષનાર અક્સીરનો પ્યાલો મારા ના કહ્યા ઉપરાંત પણ પીવાનો નિશ્ચય કર્યો તેને પહેલે દિવસે, મારૂં એ માનનાર નથી એમ સમજી, હું ચાલ્યો ગયો. પણ બસ, એ વાત હવે જવા દે. તારા પ્રપિતા ઉપર મને પ્રેમ હતો, તેથીજ એના કુટુંબના છેલ્લા વંશજને હું બચાવવા ઈચ્છું છું. તું ગુલાબસિંહના રસ્તામાં આડો ન આવીશ. તારી વિષયવાસનાને તારો આત્મા ન સોંપ, સમય છે તેટલામાં પાછો ફર. તારા કુલની કીર્તિનાં બીજ હું તારા મુખ ઉપર તેમ તારા ભવિષ્યમાં દેખી શકું છું. તારામાં તારા વંશની સમર્થ બુદ્ધિ છે, પણ તેજ વંશનાં દુર્વ્યસનો જે તારામાં બહુ ઉગ્રતાથી ફાટી નીકળ્યાં છે તેમાં તે દબાઈ ગઈ છે, વીસરી ન જતો કે આત્મપ્રસાદથી તારા વંશનો ઉદય થયો હતો, દુર્વ્યસનથી જ તે અમર થવામાં નિષ્ફલ થયો. વિશ્વક્રમના નિયમોનોજ ચમત્કાર છે કે વિશ્વનિયમથી વિરુદ્ધ એવી કોઈ વાત ચિરકાલ રહેતી નથી. ડાહ્યો થા, તારા ઈતિહાસમાંથીજ ડહાપણ લે. તું બે જુદી જુદી દુનીયાંની વચમાં ઉભો છે, બન્નેમાંનાં સત્ત્વ