પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૬
ગુલાબસિંહ.

એને જોઈને ખુશીનો પોકાર કર્યો પણ ઉભયે એક એકને કાંઈ સંતોષકારક ખુલાશો કરી શક્યાં નહિ તેથી નિરાશ થયાં. તોફાન સંભળાયાથી બુઢ્ઢી ઉંઘમાંથી જાગી ઉઠી પણ નીચે ઉતરવાની હીંમત આવી તે પહેલાં તો મા અદૃશ્ય થઈ ગઈ હતી. બહારના બારણા ઉપર એને બલાત્કાર થયાનાં ચિહ્ન જણાયાં પણ અત્યાર સુધીમાં એ એટલુંજ જાણી શકી હતી કે પાસેના ખેતરમાંથી જાગી ઉઠેલા એક ખેડૂતે એક ગાડી, બારણા તરફ આવતાં ને જતાં જોઈ હતી. તે કહેતો હતો કે એ ગાડી અમુક અમીરની છે. આ બધા વૃત્તાન્તનો સાર સમજી લેઈ લાલો એકદમ બુઢ્ઢી પાસેથી ચાલતો થયો, ને ગુલાબસિંહના મહાલયમાં દાખલ થયો. ત્યાં એને એવી ખબર મળી કે મહારાજ અમીર—ને ઘેર મીજબાનીમાં ગયા છે, તે છેક મોડી રાત સુધી પાછા ફરવાના નથી. ગભરાટ અને ભયથી લાલો સ્તબ્ધ જ થઈ ગયો. શું થયું હશે ? શું કરવું ? એની એને સુઝ પડી નહિ. રામલાલ પણ પાસે ન હતો કે એનું ડહાપણ કોઈ કામ લાગે. એના હૃદયે એને ગુપ્ત માર મારવા માંડ્યો. પોતાની પ્રિય વસ્તુને બચાવવાની પોતાને શક્તિ છતાં તે શક્તિ પોતે ગુમાવી ! પણ ગુલાબસિંહે કેમ છક્કડ ખાધી ! એમ કેમ બન્યું કે એ પોતેજ પેલા દુષ્ટ અપરાધીની આજ પ્રસંગની મીજબાનીમાં ગયો ! બધી વાત એને માલુમ હશે ? કદાપિ ન હોય, તો મારે એક ક્ષણ પણ તેને ખબર આપવામાં વિલંબ કરવો ? મનનો કાચો છતાં શરીરે તો લાલા કરતાં વધારે હીંમતવાન્‌ કોઈ ન હોઈ શકે. “બસ, હું અમીરના મહાલય તરફ જઈશ, અને જે હવાલો પોતાને સ્વાધીન લેવાનું ડોળ ગુલાબસિંહ રાખે છે, તે ખોટું સમજાશે તો તુરત ત્યાંને ત્યાં, અને બધા મીજબાનોની વચમાંજ, હું એ બાલાને આ કપટજાલમાંથી છૂટી કરવાનું અમીરને મોઢામોઢ કહીશ — પછી જે થનાર તે થશે.”