પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૭
સિદ્ધ અને આશક.

પ્રકરણ ૧૬ મું.

સિદ્ધ અને આશક.

વાર્તાના કાલક્રમમાં બે ત્રણ પ્રહર પાછા હટીને જોઈએ તો ગ્રીષ્મકાલનો મધુર અને આછો આછો પ્રભાત ચોતરફ પ્રમોદ પ્રસારી રહ્યો છે; તે વેળા ખીલતાં પુષ્પના પરાગથી સુવાસિત બાગમાં ઝુલી રહેલા એક ઝરૂખામાં બે પુરુષો વાતે વળગેલા છે. તારા હજુ ઢંકાઈ ગયા નથી. પક્ષીઓ પણ તરવરોમાંથી જાગ્રત્‌ થયાં નથી, છતાં રાત્રીના આરંભની શાન્તિ અને પ્રભાતના આરંભની શાન્તિમાં કેટલો તફાવત છે ! શાંતિના ગાનમાં પણ અનેક રાગરંગના ભેદ પ્રભેદનો પ્રમોદ છે ! આ પુરુષો જે એકલાજ ઘણું કરી આખા દિલ્હી શહેરમાં પ્રથમ નિંદ્રા તજી ઉઠ્યા હતા તે ગુલાબસિંહ અને પેલો વિલક્ષણ પરદેશી જેણે બે ઘડી પૂર્વે પેલા રાજકુમારને એશઆરામમાં ચમકાવ્યો હતો તે બે હતા.

“એમ નહિ,” આ ગૂઢ વિદેશી ઉચર્યો “પૂર્ણ વયે પહોચતાં સુધીમાં અને આ સંસારમાં જે છેહ થાય છે તેના ઘા પૂરા અનુભવી દૃઢ થયા પછી, મને ખરો અનુભવ આવ્યો છે. જે રીતે મેં સંસાર ભોગવ્યા પછી તેની એક પણ વાસના અંતઃકરણમાં ન રાખવાથી ફલ ચાખ્યું છે તે રીતે, તેં જો છેલ્લો પ્યાલો પીધો હોત તો જે વેદનાથી તું હાલ પીડાય છે તે પાપ તને વળગ્યું હોત નહિ. પ્રેમાનંદના કાલ સાથે સરખાવતાં મનુષ્યજીવિતના કાલના ટુંકાપણા વિષે શોક કરવાનું તને કારણ મળત નહિ, કારણ કે તું સ્ત્રીના પ્રેમની વાંછનાના સ્વપ્નની પણ પાર તરી ગયો હોત. સ્ત્રીનો પ્રેમ તો એક ક્ષણિક ગાંડાઈ છે; પ્રેમ પોતે અતિ પરિશુદ્ધ અને સ્વસંવેદ્ય પરમાનંદ, અભેદાનુભવ છે, પણ તેને માયાની વ્યષ્ટિરૂપ મૂર્તિ જે સ્ત્રી તે દ્વારા કે તેમાંજ માની લેવો એ ખરેખર ગાંડાઈ છે પણ એક વાર પૂરેપૂરો અનુભવ થયા વિના ‘ગાંડાઈ’ કહેવાનું સામર્થ્ય આવતું નથી. તેં શું કરવા સિદ્ધિની સાથે આવા માનુષત્વને સંગ્રહી રાખ્યું ! દેવ અને માણસો વચ્ચે આ સૃષ્ટિમાં જે સિદ્ધયોનિ છે તેમાં ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ, અને એટલી એકજ ભૂલ ન કરી હોત તો, ભવ્યમાં ભવ્ય, તારા જેવો મહાત્મા કોણ હતો ? યુગે યુગે ને કલ્પે કલ્પે. સર્વ કાલ, એ અગાધ મુર્ખાઈ કે જેથી તેં યૌવનની કાન્તિ અને યૌવનના