પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૦
ગુલાબસિંહ.

છાંટો આખા ચૈતન્યસમુદ્રમાં સર્વનો વિલયક કરવા સમર્થ છે તે હૃદય તારા ઉપર ચહોટી રહેશે. તેં જે ભુલ કરી છે તેમાંથી પણ તું આટલું કરી શકે તો એ ભુલનો સારો બદલો વળશે. આ બધું તારાથી સમજાય છે ? સમજાતું હોય તો જાણે કે પછી એ કામ તારૂંજ છે કે :—”

“બસ બસ” ગુલાબસિંહે ક્રોધથી કહ્યું “મહાભય અને શંકાથી જે મરણ નીપજે છે, સર્વ ઉચ્ચતાનું મરણ નીપજે છે, તેના આગળ બીજાં મરણ શી વિસાતમાં છે ? રે ! જ્યારે પરમ વિરાગીઓ, મહા ઉગ્ર અભિલાષાવાળા સાધનસંપન્ન મુમુક્ષુઓ, ધૈર્યવાન દૃઢ યોદ્ધાઓ, પેલા અનંત ઐષણા જાલમાંથી ઉઠતા વિકરાલ ભૈરવની દૃષ્ટિ પડતાંજ પુલકિત થઈ નીકળી પડેલે ડોળે પથારીઓમાંજ મરણ પામેલા જોયા છે, ત્યારે આ સુન્દરી જેના મુખનું નૂર માત્ર પવનના ફડફડાટથી કે બારીનો અવાજ થવાથી, કે રાત્રીએ ઘુવડનો શબ્દ સાંભળવાથી, કે કોઈ યોદ્ધાની તરવાર પર રક્તનું એક બિંદુ જોવાથી, ઉડી જાય છે, તે એ કરાલ રાક્ષસની એક દૃષ્ટિ પણ કેમ જીરવી શકે ! આવા પ્રસંગનો એના સંબંધે વિચાર મારા જેવાને પણ છેક નાહીંમત બનાવી દે છે.”

“જ્યારે તેં એને કહ્યું કે હું તને ચહાઉં છું, જ્યારે તેં એને તારી કરી તારા હૃદય સાથે ચાંપી, ત્યારથી જ તેં એના ભવિષ્યનું જ્ઞાન પ્રાપ્ત કરવાની ને તેથી એનું રક્ષણ કરવાની શક્તિ ગુમાવી છે. અત્યારથી તું એને મન કેવલ મનુષ્યજ થયો છે; આપણા શિષ્ય આપણને કેવા લેખે છે તે ઉપર પણ ઘણો આધાર છે. ત્યારે હવે તને શી ખબર છે કે હજુ તારે શી કસોટીએ ચઢવું પડશે ? એ તારી માજ તારી શિષ્ય થવા ઈચ્છશે, એની જિજ્ઞાસા શું શું જાણવાની ઈચ્છા કરશે, ને એનું ધૈર્ય એને કેવી હીંમત આપશે તેની પણ તને શી ખબર છે ? પણ હવે એ વાત જવા દે. બસ ! ત્યારે તું એ માર્ગેજ જવાનો ?”

“હા, વિધાતાના લેખ એમજ લખાયલા છે.”

“ત્યારે કાલેજ ?”

“હા, કાલે આ વખતે અમારૂં નાવ પેલી સરિતા ઉપર દોડતું હશે અને મારા હૃદય ઉપરથી અનંત યુગનો જે ભાર છે તે ખશી ગયો હશે. રે ગાંડા સિદ્ધ ! મને તારી દયા આવે છે, તેં તારું યૌવાન ગુમાવ્યું છે.”