પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨
ગુલાબસિંહ.

છે. પોતાના મુખ્ય ખવાસને બોલાવતાં એણે મનમાં નિશ્ચય ઉઠાવ્યો “વારૂં જોઈએ, એનો યોગ એને કેવોક કામ આવે છે ! પેલા વિષ ઉપર એનો યોગ કેવી અસર કરે છે.” એ વિષ તે કોઈ એવી અપૂર્વ બનાવટ હતી કે જેનો એક કણમાત્ર પેટમાં જવાથી સહજમાં મૃત્યુ થઈ જાય. એ વિષની ક્રિયા માત્ર એ અમીરના કુટુંબમાંજ જાણીતી હતી, કેમકે એના પ્રપિતાએ તે કોઈ કારણસર કોઈ મહાત્મા પાસેથી પ્રાપ્ત કરી હતી. એ વિષ લેનારને કાંઈ દુઃખ ન જણાતું એટલું જ નહિ, પણ મુંવા પછી પણ તેની કશી નિશાની શરીર ઉપર કે અંદર રહેતી નહિ. ગમે તે રીતે કાપો, શોધો, પણ કાંઈ સમજાતુંજ નહિ. લગભગ બાર ઘડી સુધી તો લેનારને માત્ર આનંદ અને આવેશની મઝા સમજાયાં જતી, પણ પછી ધીમે ધીમે મીઠી તંદ્રા થવા માંડતી, જેમાંથી એકાએક તાવ ચઢી વાગતો અને ત્રિદોષનાં કાંઈક ચિહ્‌ન થઈ મરણ નીપજતું. એ વિષ પોતાના પરોણાને આપવાના દારૂમાં અમીરે પોતાને હાથે મેળવી રાખ્યું.

પરોણાઓનો જમાવ થવા માંડ્યો, મહોટા મહોટા ઉમરાવો અને દરબારીઓ આવવા લાગ્યા. ઉજ્વલ સૂર્ય અને ચંદ્ર વંશના કુમારોની ઠઠ જામી; ચોહાણ અને બીજા રજપૂતો પણ અન્યોન્યનાં પરાક્રમોની વાતોએ ચઢ્યા. છેક છેલો ગુલાબસિંહ આવ્યું. જેવો તે આવ્યો અને અમીરની તરફ જવા લાગ્યો તેવો બધાએ એને માગ આપ્યો. અમીરે એને સાર્થ હાસ્યપૂર્વક આવકાર દીધો, અને ગુલાબસિંહે નીચા નમી એના કાનમાં કહ્યું કે “કપટના પાસાથી જે માણસ રમે છે તે હંમેશાં જીતી જતો નથી.” અમીરે પોતાનો હોઠ કરડ્યો પણ ગુલાબસિંહ આગળ ચાલી ગયો અને ખુશામદખોર મુખ્ય ખવાસની સાથે વાતે વળગ્યો.

“અમીર સાહેબનો વારસ કોણ છે ?” ગુલાબસિહે પૂછ્યું.

“મોસાળ તરફનો એક દૂરનો સગો. એમના પિતાનો વંશ તો એમની સાથેજ પૂરો થાય છે.”

“આ મીજબાનીમાં એ માણસ આવ્યો છે ?”

“ના, એને ને અમીર સાહેબને જરા અણબનાવ છે.”

“કાંઈ ફીકર નહિ; કાલે આવશે.”