પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૩
શરત પૂરી કરી.

મુખ્ય ખવાસ તો આશ્ચર્યથી સ્તબ્ધ થઈ ગયો; પણ જમવાની તૈયારી થઈ ગઈ હતી એટલે પરોણાઓ પોતપોતાના સ્થાને બેસવા લાગ્યા. જમવાનો ઓરડો બહુ ભભકાથી શણગારવામાં આવ્યો હતો. સાંયકાલને સમયે અનુકૂલતાથી મૃદુ અને મધુર પવન સાથે અતિસ્વાદિષ્ટ ગાનનો સુવાસ વિસ્તરે એવી સર્વ યોજના કરવામાં આવી હતી. જમવાની બેઠક ચોતરફથી ખુલ્લી હોવાને લીધે ચારે બાજુએ પથરાઈ રહેલા સુંદર બાગનાં સુવૃક્ષોથી પુષ્પપરાગ બધે અજાણ્યો પણ અતિ રમ્ય રીતે વ્યાપી રહ્યો હતો. સ્વાભાવિક યોજના ઉપરાંત અત્તર, ગુલાબ, ધૂપ, આદિ કૃત્રિમ યોજનાથી જે જે થઈ શકે તેની પણ ખામી રાખી ન હતી, સુવર્ણરેખાથી વિચિત્ર શણગારેલા રૂપાના થાળ ભાતભાતનાં પકવાનથી ઉભરાઈ જતા હતા, જમતી વખતે જે વાતચીત ચાલતી હતી તે પણ સાધારણ કરતાં જુદા જ પ્રકારની હતી. અનેક વિદ્યા, કલા, ઈત્યાદિ વિષે રમુજી વાતો થવા ઉપરાંત, અન્યોન્યમાં એવા આનંદથી ટોળ ચાલતો હતો કે એ બધા વચ્ચે જ યજમાનની બહુજ શાન્ત મુખમુદ્રા — જે પ્રસંગે પ્રસંગે જાગ્રત્‌ તથા આનંદી જણાવા બહુ પ્રયત્ન કર્યા કરતી — તે વિલક્ષણ લાગતી હતી. ગુલાબસિંહ તો બધાંને પ્રિયતમ થઈ પડ્યો હતો; એની સરલ તથા મૃદુ વાતચીત અને ઉપહાસમિશ્ર આનંદ ઉપજાવવાની, કોઈને પણ દુભવે નહિ તેવી નિર્દોષ રીતિ, એના ઉચ્ચકુલ અને ગુણનું ભૂષણ હતી; અને એથીજ એ સર્વનું મન આકર્ષતો હતો. આ પ્રસંગે એના યજમાન કરતાં એની રીતિ કેવલ વિલક્ષણ હતી, ને તેથી એ બે ઉપર બધાનું બહુ લક્ષ રહેતું હતું. આવો આનંદ મચી રહ્યો છે એવામાં ચાકરે આવી ધીમેથી ગુલાબસિંહના કાનમાં ખબર કહીં કે “લાલાજી નામે કોઈ માણસ આપને બહુ અગત્યના કામસર મળવા આવ્યો છે.”

તુરતજ ગુલાબસિંહે અમીર તરફ વળી કહ્યું “સાહેબ ! મને માફ કરજો, પણ મારે જરા ઉઠવું પડશે. મારો એક મિત્ર જેને આપ છેક ન ઓળખતા હો એમ હું ધારતો નથી તેની સાથે મારે કેટલુંક બહુ અગત્યનું કામ છે ને તે અત્યારે મારે માટે ખોટી છે.”

અમીરે જરા હસ્તે વદને પણ બહુ માનથી કહ્યું “ગુલાબસિંહ ! મે