પૃષ્ઠ:Gulabsinh.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૭
શરત પૂરી કરી.

છૂટી ગઈ; ને આખા બાગમાં ગરબડાટ, ઘોંઘાટ, અને તોફાનની ધૂન મચી રહી. શાન્ત સુંદર રાત્રી અને તેના આશ્રયમાં કેવલ ઉચ્છૃંખલ મત્તતા એ ઉભયનો વિરોધ ભયાનક લાગતો હતો. એ બધી મંડલીમાં રાજકુમારના કુલનો વહીવંચો જે હાજર હતો તે તો ઘણોજ આનંદમાં જણાતો હતો. તે સ્વભાવે આનંદી, બુદ્ધિએ તીક્ષ્ણ, અને પ્રતિષ્ઠાએ પ્રામાણિક હતો. આ ગરબડાટ મચ્યા પછી જે ખેલ થયો, અને જેની વાતથી આખા દિલ્હી શેહેરમાં ખળભળાટ થઇ ગયો, તે બીના આ વહીવંચાએ જે લેખ પોતાના ચોપડામાં કરી રાખ્યો છે. તેને આધારે કહેવીજ ઠીક પડશે. તે લખે છે કે :—

“કદી પણ મારૂં લોહી આવું ઉકળ્યું હોય એમ મને સ્મરણ નથી. પંડ્યાની નીશાળેથી છૂટી મળતાં નાઠેલાં છોકરાંના ટોળા જેવા અમે થઈ ગયા, છ કે સાત પગથીઆંની નીસરણી ઉતરીને બાગમાં જતાં એક એકના ઉપર પડતા હતા, ગબડી જતા હતા, ગબડાવી પાડતા હતા, ને એમાં પણ કેટલાક હસતા, કેટલાક રડતા, કેટલાક લડતા, કેટલાક ગાળો દેતા. દારૂએ જાણે પ્રતિમનુષ્યની ગુપ્ત વૃત્તિ બહાર ખેંચી કાઢી હતી. કેટલાક બૂમો પાડતા હતા, ને લડતા હતા; કેટલાક પ્રેમની વાતો કરતા હતા, ને રડતા હતા; જેને અમે આજ પર્યંત મુવા જેવા ધારતા હતા તેજ ઘણામાં ઘણા આનંદે ચઢેલા હતા; જેને નિરંતર અભેદ્ય ગંભીરતાવાળા ધારતા હતા તેજ ટંટાખોર જણાતા હતા. મને સ્મરણ છે કે આ બધા તોફાનમાંથી પણ મારી દ્રષ્ટિ જ્યારે ગુલાબસિંહ ઉપર પડી ત્યારે તેની આકૃતિ મને નિરંતરના જેવીજ શાન્ત અને સર્વનો તિરસ્કાર કરતી હોય તેવી લાગી. મઝાને આ રીતે અપમાન આપનાર જોડે કાંઈક બહાનું કાઢી લઢવાની પણ અધી પર્ધી ઈચ્છા મને પેદા થઈ. મનેજ આમ લાગેલું એમ નહિ, પણ પાછળથી વાત કરતાં ઘણાએ મને એનું એજ કહેલું છે કે એને જોવાથી અમારૂં લોહી વધારે ઉકાળે ચઢતું, ને ખુશમિજાજીને બદલે ગુસ્સો પેદા થઈ આવતો. એના ઠંડા સ્મિતમાંજ કાંઈક એવું હતું કે જેથી બીજાને માનભંગ થયા જેવું લાગે ને લડવાની ઈચ્છા થાય. આ ક્ષણે ઉમરાવ અમારી પાસે આવ્યો. એના પગ પણ જમીન પર ટકતા ન હતા, એણે પણ ઠાંસવામાં બાકી રાખી ન હતી. એકદમ મારી પાસે આવી એણે મારો હાથ પોતાના હાથમાં લીધો ને મને એક બાજુએ તેડી ગયો, એને ગુલાબસિંહનો પૂરેપૂરો ચેપ લાગેલો હતો, તેથી એના જેવોજ ડોળ કરવા પોતે જતો હતો. છતાં કાંઈ ઠેકાણું હતું નહિ. એણે કેટલાંક આડા અવળાં ગપ્પાં માર્યા પછી, દિલ્હી શેહેરની